કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતાં યુવાનના પિતરાઇને વીરવાવની યુવતી સાથે પ્રેમસંબંધ હોય તેથી બન્ને ઘરેથી ભાગી ગયા હોવાનું મનદુ:ખ રાખી પચ્ચીસ જેટલાં શખ્સોએ પ્રાણઘાતક હથિયારો સાથે સાત કારમાં આવી લોખંડના પાઇપ વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના સતિયા ગામમાં મુરલીધર પાન પાસે રહેતા અને ખેતી કરતાં મયૂરભાઇ લાલજીભાઇ માલા (ઉ.વ.29) નામના યુવાનના કૌટુંબિક ફઇબા લાભુબેન મોહનભાઇ ગળચરનો પુત્ર મહેશ ગળચર નામના યુવાનને વીરવાવ ગામમાં રહેતા સંગ્રામ કવા ખોડાની પુત્રી ઋષિકાબેન સાથે પ્રેમસંબંધ હતો અને આ પ્રેમસંબંધમાં યુવક અને યુવતી સાથે ઘરેથી નાશી ગયા હતા. જે બાબતનું મનદુ:ખ રાખી બુધવારે મદ્યરાત્રિના સમયે કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામના ભરત કરણા ઝાપડા, ઉકા ગોબર ગોલતર (સતિયા) , ચકુ રવજી ગોલતર (સતિયા), સાહિલ રાતડિયા (વીરવાવ), મુનો ભરવાડ (વીરવાવ), મચ્છા સામત ફાંગલિયા (દેવગામ), જયદીપ થોભણ વરૂ (રાજકોટ) નામના સાત સહિતના કુલ 15 જેટલા અજાણ્યા શખ્સો મળી ટોળાએ જુદી જુદી સાત કારમાં સતિયા ગામમાં આવ્યા હતા.
ટોળાએ આવીને લખમણભાઇને ઝાપટ મારી મયૂરભાઇ માલાને ફોન ઉપર પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ ગામમાં આવેલા ટોળાએ મયૂરભાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાના ઇરાદે લોખંડના પાઇપ વડે કુંજલબેન ઉપર હુમલો કર્યો હતો અને મયૂરને ધમકી આપી હતી. તેમજ ટોળાએ જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. ટોળા સાથે સાત ગાડીઓમાં આવેલા કાફલાના કારણે ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. યુવતીના પ્રેમસંબંધ મામલે યુવકના પિતરાઇ મહિલા ઉપર હુમલો કરી યુવાનના ગાળો કાઢી ધમકી આપ્યાના બનાવની જાણ કરાતા પીઆઇ એ. એલ. બારસિયા તથા સ્ટાફએ 22 જેટલાં શખ્સો સામે હુલ્લડનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


