Friday, July 3, 2026
Homeરાજ્યગુજરાતગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, કડી અને વલસાડમાં જળબંબાકાર

ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, કડી અને વલસાડમાં જળબંબાકાર

રાજ્યમાં આજે સવારે 6 થી 8 કલાક દરમિયાન 29 તાલુકાઓમાં વરસાદ નોંધાયો : સૌથી વધુ વલસાડમાં 6.10 ઇચ, ડાંગ 3.11, નવસારીના ગણદેવીમાં 2.17 , પારડીમાં 2.17, નાના પોંઠામાં 2.05 ઇચ વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસું પૂરી તાકાત સાથે સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદે તબાહી મચાવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સામાન્ય જનજીવન ખોરવાયું છે. સૌથી વધુ આફત જૂનાગઢના માંગરોળમાં વર્ષી છે, જ્યાં 12.64 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ 12.36 ઇંચ વરસાદ ખાબકતાં ચારેય તરફ પાણી-પાણીની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય જૂનાગઢના માણાવદરમાં પણ 9 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. સેલવાસમાં 24 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો. અસહ્ય ગરમી અને બફારા બાદ સમગ્ર પંથકમાં અદભુત ઠંડક પ્રસરી છે જયારે દમણગંગા રિવરફ્રન્ટ પર વરસતા વરસાદમાં મોર્નિંગ વોક અને કુદરતી સૌંદર્યનો આનંદ લેતા સહેલાણીઓ જોવા મળ્યા હતા.

- Advertisement -

કડીમાં 2 કલાકમાં 8 ઇંચ

મહેસાણાના કડીમાં અડધી રાત્રે 2 થી 4 વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જ કડાકા-ભડાકા સાથે 8 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક આવેલા આ પૂર જેવા પાણીના કારણે સમગ્ર કડી પંથક જળમગ્ન બન્યો હતો.

વલસાડમાં સવાર-સવારમાં આફત

ગઈકાલે સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ આજે વહેલી સવારે મેઘરાજાએ વલસાડનો વારો પાડ્યો હતો. સવારે 6 થી 8 વાગ્યાના માત્ર બે કલાકમાં જ વલસાડ તાલુકામાં 6.10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ડાંગમાં 3.11 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 2.17 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારના શરૂઆતી કલાકોમાં જ રાજ્યના 29 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો.

- Advertisement -

સમગ્ર રાજ્યની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 172 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્યના 10 તાલુકામાં 5 ઇંચથી વધુ અને 72 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ (IMD) અનુસાર, 2 જુલાઈ 2026ના રોજ ચોમાસું ગુજરાત સહિત દિલ્હી, યુપી અને મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે. આગામી 2-3 દિવસમાં તે વધુ મજબૂત બને તેવી સાનુકૂળ સ્થિતિ છે. હાલમાં એકસાથે ૫ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે

- Advertisement -
રેડ એલર્ટ : અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ

ઓરેન્જ એલર્ટ : પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ
યલો એલર્ટ : દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર

પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો સાડા ત્રણ મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે કલેક્ટરની લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે આજે 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular