જામનગર સહિત હાલાર પંથકમાં આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. વહેલીસવારથી વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. હજારો ભાવિકોએ કતારમાં ઉભા રહીને પણ દર્શનનો લાભ લીધો હતો.

મારૂતિનંદનના જન્મદિવસની આજે આસ્થાભેર હાલારપંથકમાં ઉજવણીના આયોજનો થયા છે. જામનગર સહિત સમગ્ર હાલારમાં અનેક નાના મોટા હનુમાન મંદિરોમાં હનુમાન જન્મોત્સવને લઇ ભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. જામનગરના વિશ્વ વિખ્યાત અને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવતા બાલા હનુમાન સંકિર્તન મંદિરમાં આજે હનુમાન જયંતિ નિમિત્તે ધ્જારોહણ, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન મંદિરોમાં રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. જામનગરના બાલા હનુમાન મંદિર ઉપરાંત શહેરના ચૈત્રન્ય હનુમાન મંદિર, સુર્યમુખી હનુમાન મંદિર, હઠીલા હનુમાન મંદિર, દાંડિયા હનુમાન મંદિર, કષ્ટભંજન દેવ, બળિયા હનુમાન મંદિર, કુનડ હનુમાન મંદિર, ફુલિયા હનુમાન મંદિર સહિતના અનેક નાના મોટા હનુમાન મંદિરોમાં વિશિષ્ટ આરતી, બટુક ભોજન, ધ્વજારોહ, દિપમાળા, અન્નકોટ દર્શન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વહેલીસવારથી જ ભકતો હનુમાન મંદિરોમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. આજે શનિવારની સાથે હનુમાન જયંતિ હોય ભકતોનો ઉત્સાહ બેવડાયો હતો. વહેલીસવારથી જ તેલ, અડદ, આંકડાની માળા સાથે ભકતો હનુમાન મંદિરે દર્શને પહોંચ્યા હતાં. તેમજ કેળા, લાડુ, પેંડા સહિતનો પ્રસાદ ધરી પુજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો. સાંજના સમયે મહાઆરતી તેમજ બટુક ભોજન, મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવશે.