ખંભાળિયા નજીકથી પસાર થતા બાઈકચાલકને ગાય આડે ઉતરતા ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું. કલ્યાણપુર નજીક ટ્રેક્ટર પરથી પટકાતા યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ ખંભાળિયાથી આશરે 28 કિલોમીટર દૂર મોટી ખોખરી ગામના પાટીયા પાસેથી જી.જે. 10 બીએફ 1828 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને ગઢકા ગામેથી ભાણવડ જઈ રહેલા ભાણવડના ધર્મેન્દ્રભાઈ નારણભાઈ કટેશીયા (ઉ.વ. 45) અને બાબુભાઈના ડબલ સવારી મોટરસાયકલ આડે એકાએક ગાય ઉતરી આવતા બાઈક ચાલક બાબુભાઈએ ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલ રોડની નીચે ઉતરી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ધર્મેન્દ્રભાઈ કટેશીયાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક બાબુભાઈને પણ નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દલવાડી વિનોદભાઈ નારણભાઈ કટેશીયાએ ખંભાળિયા પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, રાજસ્થાન રાજ્યના ભીલવાડા જિલ્લાના ચતુરપુરા ગામના મૂળ રહીશ દિપકલાલ ગોપીલાલ ભાટ નામના 30 વર્ષના યુવાન કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે એક ટ્રેક્ટરના પંખા પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ટ્રેક્ટરના ચાલક એવા રાજસ્થાન રાજ્યના ભીલવાડા જિલ્લાના ચતુરપુરાના રહીશ મુકેશલાલ ગોપીલાલ ભાટએ ટ્રેક્ટરને પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવતા દીપકલાલ ભાટ ટ્રેક્ટર પરથી નીચે પટકાઈ પડ્યા હતા અને ટ્રેક્ટરનું તોતિંગ વ્હીલ તેના મોઢા પર ફરીવળ્યું હતું. જેના કારણે તેમનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે જ્યોતિદેવી મુકેશલાલ ભાટ (ઉ.વ. 27, રહે. ચતુરપુરા) ની ફરિયાદ પરથી મુકેશલાલ ગોપીલાલ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, એ આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.