Monday, June 8, 2026
Homeરાજ્યજામનગરજામનગરના પ્રાચીન શ્રી ત્રિકમરાયજી મંદિરમાં 551 દીવડાઓની દિવ્ય મહાઆરતી - VIDEO

જામનગરના પ્રાચીન શ્રી ત્રિકમરાયજી મંદિરમાં 551 દીવડાઓની દિવ્ય મહાઆરતી – VIDEO

શ્રીસૂક્તમ-પુરુષસૂક્તમ પાઠનો ભવ્ય ધાર્મિક મહોત્સવ યોજાયો

પુરુષોત્તમ માસના પાવન અવસરે જામનગરના આણંદબાવા ચકલા વિસ્તારમાં આવેલ પ્રાચીન અને પૌરાણિક શ્રી ત્રિકમરાયજી મંદિરમાં આયોજન થયુ, ભવ્ય ધાર્મિક મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિ, આસ્થા અને વૈદિક પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

- Advertisement -

ધાર્મિક કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી ત્રિકમરાયજીના ચરણોમાં પૂજન-અર્ચન અને વંદના સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે જ્ઞાતિના મહિલા અને પુરુષ સભ્યો દ્વારા સામૂહિક રીતે શ્રીસૂક્તમ અને પુરુષસૂક્તમના કુલ 551 પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. દરેક પાઠકે 11 પાઠના સંકલ્પ સાથે ભાગ લીધો હતો, જેના પરિણામે 551 પાઠ પૂર્ણ થતાં સમગ્ર સમાજને આ પુણ્યમય અનુષ્ઠાનનો લાભ પ્રાપ્ત થયો હતો.

- Advertisement -

કાર્યક્રમની વિશેષ આકર્ષણરૂપે 551 દીવડાઓની દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓના હાથે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા અને 11 દીવડાઓની આરતી કરવાનો અલભ્ય અવસર પણ આપવામાં આવ્યો હતો. જેમા મોટી સંખ્યામા શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિનુ લોકો સહભાગી થયા, તેમજ મોટી સખ્યામાં શ્રધ્ધાળુઓ હાજર રહ્યા હતા. સેંકડો દીવડાઓના તેજસ્વી પ્રકાશથી સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. “જય દ્વારકાધીશ”ના ગુંજતા જયઘોષ વચ્ચે સર્જાયેલ ભક્તિમય વાતાવરણ દરેક શ્રદ્ધાળુ માટે યાદગાર બની રહ્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના પરિવારો, વડીલો, મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન સમિતિ દ્વારા પાઠ માટે જરૂરી પુસ્તિકાઓ, દીવડાઓ તેમજ અન્ય તમામ વ્યવસ્થાઓ મંદિર ખાતે જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે શ્રદ્ધાળુઓએ સરળતાથી કાર્યક્રમમાં સહભાગી બની શક્યા હતા.

- Advertisement -

મંદિરના ટ્રસ્ટી ધીરજલાલ જોશી અને કોકિલાબેન જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને સામૂહિક ઉપાસનાનું સુંદર દર્શન થયું હતું. ત્રિકમરાયજી મંદિરમાં વર્ષ દરમિયાન વિવિધ વ્રત-પર્વ અને ધાર્મિક તહેવારો નિમિત્તે આવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે, જે સમાજમાં ધાર્મિક જાગૃતિ અને સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મહાઆરતી પૂર્ણ થયા બાદ ઉપસ્થિત ભક્તજનો માટે પ્રસાદ અને અલ્પાહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક ઉર્જા, ભક્તિભાવ અને સામૂહિક એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

“કલીયુગ કેવલ નામ આધાર”ની ભાવનાને સાર્થક કરતાં સમાજના સર્વાંગી કલ્યાણ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આ આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. આ ભવ્ય ધાર્મિક મહોત્સવે જામનગરના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનમાં નવી ચેતના અને ઉર્જાનો સંચાર કર્યો હોવાનું ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ વ્યક્ત કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular