જામનગર જિલ્લામાં 181 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 6 ગ્રામ્ય પંચાયતોની પેટાચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયા બાદ ગઇકાલે બુધવારે જામનગર શહેરમાં ડીકેવી કોલેજ સહિત જિલ્લાના જુદા જુદા 6 તાલુકા મથક ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સવારથી શરૂ થયેલી મતગણતરી મોડીરાત્રિના એક વાગ્યા સુધી ચાલી હતી. પોસ્ટલ બેલેટ દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન થતું હોય મોડીરાત્રિ સુધી મતગણતરી ચાલી હતી.
જમનગર તાલુકાની ગ્રામ પંચાયતો માટે ડીકેવી કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઇ હતી. મતગણતરી કેન્દ્ર ખાતે જુદા જુદા ગામોના સરપંચ અને સભ્યપદોના ઉમેદવારો, સમર્થકો અને ટેકેદારો સાથે ઉમટી પડતાં ડીકેવી કોલેજ બહાર ભારે ભીડ જોવા મળી હતી. જેના પગલે સમયાંતરે આ માર્ગ ઉપર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. રાત્રે એકાદ વાગ્યા સુધી મતગણતરી ચાલતા ત્યાં સુધી લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મતગણતરી દરમ્યાન જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠકકરે પણ મતગણતરી કેન્દ્ર ખાતે મુલાકાત લીધી હતી. વિવિધ મુદાઓ અંગે સમિક્ષા કરી સંપૂર્ણ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ આપ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા પણ મતગણતરી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી.