ભારતમાં કોરોના મહામારી બેકાબૂ બની રહી છે. દેશમાં ગુરુવારે ૨૪ કલાકમાં કોરોનાના નવા 81466 કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક દિવસના સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૨૨ કરોડને પાર થઈ ગયા છે. વધુમાં નવા 469 નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧.૬૩ લાખ નજીક પહોંચ્યો છે. એપ્રિલ મહિનામાં વધુ રજાઓ આવતી હોવાથી કેન્દ્રે જાહેર રજાઓમાં પણ સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો પર અભિયાન ચાલુ રાખવા નિર્દેશ આપ્યા છે. હાલ દેશમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર થઈ રહી છે. દેશમાં આવી રહેલા નવા સંક્રમિતોમાંથી અડધા ઉપરના નવા કેસ મહારાષ્ટ્રમાં જ નોંધાઈ રહ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના રેકોર્ડબ્રેક નવા ૪૩,૧૮૩ કેસ આવ્યા છે. બીજી તરફ કોરોનાથી રાજ્યમાં ૨૪૯ લોકોનાં મોત થયા છે. મુંબઈમાં રેકોર્ડ ૮,૬૪૬ કેસ આવ્યા આવ્યા છે અને ૧૮ લોકોનાં મોત થયા છે. ભારતમાં માર્ચ મહિનામાં કોરોના સંક્રમણના ૧૧.૧ લાખ નવા કેસ નોંધાયા છે. માર્ચ મહિનામાં કોરોનાના કારણે ૫૭૫૫ મોત નોંધાયાં છે.
ગઈકાલે, 36,71,242 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી દેશમાં સૌથી વધુ લોકોનું વેક્સીનેશન ગઈકાલના રોજ થયું હતું. 1 એપ્રિલ સુધીમાં કુલ 6,87,89,138 લોકોને રસી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી છે.