જામનગર શહેરના ગુલાબનગરમાં હોટલ પાસે કાર બહાર કાઢવાની બાબતે વેપારી ઉપર કરાયેલા હુમલાની ફરિયાદ બાદ સામાપક્ષે પણ યુવાન દ્વારા સાત શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી તથા ઘર સળગાવી નાખવાની ધમકી આપવાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ ગત્ તા. 30ના બપોરના સમયે જામનગર શહેરના ગુલાબનગર રોડ પર લકકી હોટલ પાસે કાર બહાર કાઢવા માટેની બાબતે અફઝલ હમીરાણી નામના યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં સામાપક્ષે પણ ઝહીરભાઇ અબ્બાસભાઇ દલ નામના યુવાને નોંધાવેલી ફરિયાદની વિગત મુજબ ઝહિરે તેની કાર બહાર કાઢવા માટે અફઝલ હમીરાણીને તેની કાર રસ્તામાં છે, તે લેવા માટે કહ્યું હતું. જેથી અફઝલે ઝહિરને, “હું મારી હોટલની સામે કાર પાર્ક કરીશ.” તેમ કહેતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ અફઝલની સાથે હબીબ ઋત્વીક, રાજ પરમાર, હુસેન હમીરાણી, શાહરૂખ હમીરાણી, સરફરાઝ હમીરાણી નામના સાત શખ્સોએ એકસંપ કરી ઝહિર ઉપર ઢીકાપાટુનો માર મારી, પ્લાસ્ટીક તથા લોખંડના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી. જતાં જતાં સરફરાઝ હમીરાણીએ પતાવી દેવાની અને ઘર સળગાવી નાખવાની ધમકી આપી હતી. જેના આધારે પીએસઆઇ ડી. જી. રાજ તથા સ્ટાફે સાત શખ્સો વિરૂઘ્ધ વળતી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.