દ્વારકામાં ક્રાંતિવીરની પુણ્યતિથિની નિમિત્તે યોજાયેલી બાઈક રેલીમાં કાયદાનું ઉલંઘન કરતા શખ્સોને ટપારતા આરોપીઓ દ્વારા પોલીસ ચોકીમાં બઘડાટી બોલાવી નુકસાની કરવા તેમજ પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી આપવા સબબ સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ દ્વારકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગીરૂભા રઘુભા જાડેજાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, ગઈકાલે ગુરુવારે ક્રાંતિવીર મુળુભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે હિન્દુ વાઘેર સમાજ દ્વારા સાંજના સમયે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમની ફરજ પર હતા. ત્યારે આ રેલી રૂપેણ બંદર વિસ્તારમાં પહોંચતા રેલીમાં આવેલા શખ્સોએ હાઈવે બ્લોક કરીને જાહેર વાહન વ્યવહારને અડચણ ઊભી થાય તેવું કૃત્ય કર્યું હતું.
આથી ફરજ પર રહેલા પોલીસકર્મીઓએ આરોપીઓને તેમના વાહન રસ્તાની એક બાજુ ઊભા રાખવા કહ્યું હતું. આનાથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી અશ્વિન વાઘા, કાના વાઘા, દેવુ ભીખા કેર, અજય ઉર્ફે જીથરો મકવાણા, રવિ માણેક, અર્જુન સતૈયાભા માણેક અને કનૈયાભા ધનાભા માણેક ઉપરાંત અન્ય શખ્સોએ એકસંપ કરી, અને ફરજ પર રહેલા પોલીસકર્મીઓને બિભત્સ ગાળો ભાંડી હતી.
આટલું જ નહીં, આરોપીઓએ પથ્થરોના ઘા કરી ફરજ પરના પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈને રૂપેણ બંદર પોલીસ ચોકીના બારી – દરવાજામાં તોડફોડ મચાવી હોવાનું તથા આ બઘડાટીમાં રૂ. 22,000 જેટલું નુકસાન થયાનું પણ આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર ઘટના અંગે દ્વારકા પોલીસે તમામ સાત આરોપીઓ તથા અજાણ્યા શખ્સો સામે રાયોટીંગ અને ફરજમાં રૂકાવટ અંગે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એક્ટની જુદી જુદી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ અંગે દ્વારકાના ડી.વાય.એસ.પી સાગર રાઠોડના વડપણ હેઠળ પી.આઈ. ટી.સી. પટેલ તેમજ તેમની ટીમ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


