જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના એક્ઝામ સર્કલ નજીક આવેલા રવિ પાર્ક વિસ્તારમાં રહેતા બે વર્ષના બાળકનું જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જોકે, બાળકને ખરેખર ચાંદીપુરા વાયરસનો ચેપ હતો કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી, કારણ કે તેના સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ હજુ બાકી છે.
મળતી માહિતી મુજબ, બાળકને ગંભીર તબિયત બગડતાં ગઈકાલે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના બાળરોગ વિભાગના આઈસીયુમાં તેને તાત્કાલિક સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. તબીબોની ટીમ દ્વારા સતત દેખરેખ રાખી તમામ જરૂરી સારવાર આપવામાં આવી રહી હતી.
View this post on Instagram
દરમિયાન, આજે સાંજે અંદાજે 6:30 વાગ્યે સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણોની શંકાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા તેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
હાલ લેબોરેટરીનો અંતિમ રિપોર્ટ આવવાનો બાકી હોવાથી મૃત્યુનું ચોક્કસ કારણ અને ચાંદીપુરા વાયરસની પુષ્ટિ રિપોર્ટ આવ્યા બાદ જ થશે. આરોગ્ય વિભાગ સમગ્ર મામલે સતર્ક બની જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.


