જામનગરમાં આજે ગુરુવારે સંત શિરોમણી પુજ્ય જલારામ બાપા ની 222 મી જન્મ જયંતીની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ લોહાણા મહાજનવાડીમાં પુજ્ય જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી, ત્યાર પછી જુદી જુદી પાંજરાપોળમાં ગાયોને ઘાસચારો અને ઘઉં ના લાડુનું વિતરણ કરાયું હતું. સાથોસાથ સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ માટેના માસ્તાન ભોજનનો કાર્યક્રમ રખાયો હતો. જ્યારે શહેરના જુદા જુદા છત્રીસ સ્થળો પર પુજ્ય જલારામ બાપા ના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હાપામાં આવેલા જલારામ મંદિરે પણ સવારે મહાઆરતી કરવામાં આવી હતી, તેની સાથે સાથે 7 ફૂટ બાય 7 ફૂટ કદના ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા જલારામ બાપાના પ્રસાદ એવા રોટલાનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું. જે રોટલાને પ્રસાદીને શોભાયાત્રાની સાથે લોક દર્શન માટે મૂકાયો છે. ઉપરાંત સમગ્ર શહેરમાં 36 સ્થળો પર જલારામ બાપા ની પ્રસાદીનું વિતરણ કરવા માટે સંખ્યાબંધ ચૂલા બનાવીને રોટલાની પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં હાપા અને આસપાસના વિસ્તારના અનેક બહેનો સેવા કાર્યમાં જોડાયા હતા. સાથોસાથ હાપા જલારામ મંદિરમાં ભજન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પંચેશ્વર ટાવર પાસે આવેલી લોહાણા જ્ઞાતિની વાડીમાં જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સભ્યો તથા અન્ય જલારામ ભક્તો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી, ત્યારબાદ સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના માસ્તાન ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા ગાયો માટે 6000 નંગ લાડુ બનાવાયા હતા. ઉપરાંત ઘાસચારાના વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, અને જામનગર શહેર અને આસપાસના વિસ્તારની 14 જેટલી ગૌશાળાઓમાં ઘાસચારો તેમજ ઘઉંના લાડુ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
જલારામ મંદિર હાપામાં ચાલી રહેલા અન્નક્ષેત્ર ને 24 વર્ષ પૂર્ણ થયા હોવાથી અને 25 વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણીના ભાગરૂપે જામનગર શહેરના જુદા જુદા છત્રીસ સ્થળો પર પુજ્ય જલારામ બાપા ના મહાપ્રસાદના વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં પણ તમામ સ્થળોએ જલારામ ભક્તોએ પ્રસાદ લાભ લીધો હતો.
જામનગરના જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદસ્યો જીતુભાઇ લાલ, રમેશભાઇ દત્તાણી, મનોજભાઇ અમલાણી, ભરતભાઇ કાનાબાર, અતુલભાઇ પોપટ, રાજુભાઇ કોટેચા, રાજુભાઇ મારફતીયા, અનિલભાઇ ગોકાણી, ભરતભાઇ મોદી, રાજુભાઇ હિંડોચા, નિલેશભાઇ ઠકરાર, મધુભાઇ પાબારી તથા મનિષભાઇ તન્ના સહિતના સભ્યો દ્વારા જલારામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.