ભારતીય શેરબજાર માટે આજનો શુક્રવાર બ્લેક ફ્રાઇડે સાબિત થયો છે. આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ ઉંધા માથે પછડાયું હતું. બીએસઇના સેન્સેકસમાં 1400થી વધુ પોઇન્ટનો જયારે નિફટીમાં 400થી વધુ પોઇન્ટનો કડાકો પ્રથમ ગણતરીની મિનિટોમાં જ બોલી જતાં રોકાણકારોના લાખો-કરોડોનું ધોવાણ થયું છે. ભારતીય બજારમાં છેલ્લા કેટલાક સમયથી વગર કારણે ચાલી રહેલી તેજીને લઇને નિષ્ણાંતોએ દર્શાવેલી ભીતિ સાચી પડી રહી હોય તેવું જણાઇ રહ્યું છે. વિદેશી રોકાણકારો મોટાપાયે પોતાનું રોકાણ ભારતીય બજારમાંથી પાછા ખેંચી રહયા હોવાનું છેલ્લા બે મહિનાના આંકડાઓ ઉપરથી ફલિત થઇ રહયું છે.
છેલ્લાં કેટલાંક દિવસથી ભારતીય શેરબજારો ધડામ કરતાં પછડાઇ રહ્યા છે. બજારમાં સતત વોલેટાલિટી જોવા મળી રહી છે. ત્યારે આજે સપ્તાહના છેલ્લાં દિવસે ભારતીય શેરબજારો ક્કડભૂસ થઇ ગયા છે. સવારે10.42 વાગ્યે બજારની સ્થિતિ ઇજઊ ખાતે 10.36 વાગ્યે સેન્સેક્સ 1331 અંકના કડાકા સાથે 57468 પર ટ્રેડ કરી રહ્યો હતો. તો નિફ્ટી 399 અંકના ઘટાડા સાથે 17136 પર ટ્રેડ થઇ રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેન્સેક્સ 720 અંકના ઘટાડા સાથે ખૂલ્યા બાદ સવારે 10.18 વાગ્યે સેન્સેક્સ 1000 અંકના કડાકા સાથે 57792 પર ટ્રેડ કરી રહ્યો હતો. આવી જ સ્થિતિ નિફ્ટીની હતી.
નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી 302 અંકના ઘટાડા સાથે 17233 પર ટ્રેડ થઇ રહી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે આજે બજાર તૂટવાનું સૌથી મોટું કારણ દુનિયાના કેટલાંય દેશોમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. આથી દવા કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં રહ્યા જ્યારે ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
શેરબજારની શરૂઆત પહેલાં જ પ્રી-ઓપન સેશનમાં જ સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો. બજાર ખૂલતા આ અંદાજે 700 અંક ઘટીને 58075 પર ખૂલ્યો હતો. જ્યારે ગુરૂવારના રોજ સેન્સેક્સ ઉપરમાં 58795 પર બંધ રહ્યો હતો. બાદમાં બજારમાં ઘટાડો યથાવત રહેતા સવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 1039 અંકનો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સમાં સામેલ 30 કંપનીઓમાંથી માત્ર ડોકટર રેડ્ડીઝ અને સન ફાર્માના શેર જ ગ્રીન ઝોનમાં રહ્યા. મારૂતિ સુઝુકીના શેરમાં સૌથી વધુ 2.3 ટકાનો ઘટાડો નોંધાયો.
આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇન્ડેક્સ નિફ્ટીની પણ આવી જ સ્થિતિ રહી. નિફ્ટી શરૂઆતમાં નબળી રહી અને તે અંદાજે 250 અંકના ઘટાડા સાથે 17338.75 પર ખૂલી. જ્યારે ગુરૂવારના રોજ તે 17536.25 પર બંધ રહી હતી. નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓમાં સિપ્લાનો શેર સૌથી વધુ 1.43 ટકાની તેજી સાથે ટ્રેડ કરી રહ્યો હતો. બાકી ડો.રેડડીઝ અને સન ફાર્મા ગ્રીન ઝોનમાં છે. આ સિવાય બાકીના તમામ 47 શેર રેડ ઝોનમાં છે. સૌથી વધુ ઘટાડો ONGCના શેરમાં 3.19 ટકાનો જોવા મળ્યો છે.