વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (સીએજી) સરકારના વહીવટી સુધારા માટે મહત્ત્વપૂર્ણ સંસ્થા છે. તેમણે કહ્યું કે સંસ્થાએ ઉત્પાદક્તા અને કાર્યક્ષમતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે, પહેલા બેન્કિંગ ક્ષેત્રમાં પારદર્શિતાના અભાવના કારણે અનેક પ્રકારના ગેરવ્યવહારોથી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ)માં વધારો થતો હતો.
વડા પ્રધાને કહ્યું કે, ઘણી ઓછી સંસ્થાઓ છે જે સમય સાથે મજબૂત, પરિપક્વ અને પ્રાસંગિક બને છે. તેમણે કહ્યું, મોટા ભાગની સંસ્થાઓ અમુક દાયકાઓ બાદ સુસંગતતા ખોઈ બેસે છે, પરંતુ સીએજી એક અમૂલ્ય વારસો છે અને દરેક પેઢીએ એને જાળવવો જોઇએ. વડા પ્રધાને એમ પણ કહ્યું કે પહેલા સીએજી વિરુદ્ધ સરકાર હતી, કારણ ઑડિટનો ડર રહેતો હતો. આજે એ માનસિક્તા બદલાઈ છે અને ઑડિટને સિસ્ટમનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. તેમણે કહ્યું, એક્વીસમી સદીમાં ડેટા મહત્ત્વપૂર્ણ છે. ભવિષ્યમાં ડેટાના આધારે આપણા ઇતિહાસને દર્શાવવામાં આવશે અને ડેટાના આક્લન માટે સીએજીથી મોટી કોઈ એજન્સી નથી.
મોદીએ કહ્યું હતું કે, હું જ્યારે ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે અધિકારીઓને કહેતો હતો કે એજન્સી દ્વારા માગવામાં આવતા તમામ દસ્તાવેજો ઉપરાંત સીએજીને એના કામ માટે જરૂરી તમામ સંબંધિત ફાઇલો ઉપલબ્ધ કરાવે. આના કારણે વધુ સારું કાર્ય અને સ્વમૂલ્યાંકનમાં સુધારો થતો હતો. આ પ્રથાનું હું હજુ પાલન કરી રહ્યો છું.
મોદીએ બેન્કિંગ ક્ષેત્રનું ઉદાહરણ આપ્યું હતું. બેન્કિંગ ક્ષેત્રમાં પારદર્શિતાની ઉણપને લીધે અનેક ગેરરીતિઓ શરૂ થઈ, જેને કારણે નોન-પર્ફોર્મિંગ એસેટ્સમાં વધારો થયો. એનપીએ પર અગાઉની સરકારે ઢાંકપિછોડો કર્યો, પણ અમે એને જાહેર કર્યો. એનો નીવેડો લાવવા માટે સમસ્યાનો સ્વીકાર કરવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું. સીએજી સંસ્થાની ઐતિહાસિક શરૂઆત અને છેલ્લા અનેક વરસોથી શાસન, પારદર્શિતા અને જવાબદારી માટે આપેલા યોગદાનને બિરદાવવા ઑડિટ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.