ધ્રોલ બસ સ્ટેન્ડ સામે ખારવા ચોકડી નજીકથી પૂર ઝડપે પસાર થતાં ટેન્કરના ચાલકે બાઇક સવારને હડફેટ લેતાં બાઇકમાં પાછળ બેઠેલાં બાળકનું પિતાની નજર સમક્ષ મોત નિપજયું હતું. જયારે અકસ્માતમાં પિતાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતાં અમુભાઇ ખીમાભાઇ મકવાણા નામના યુવાન બુધવારે બપોરના સમયે તેના જીજે 10 સીઆર 4204 નંબરના બાઇક પર તેના 10 વર્ષના પુત્ર સ્મિતને પાછળ બેસાડી ધ્રોલ બસસ્ટેન્ડ સામે ખારવા ચોકડી ક્રોસ કરી ત્રિકોણબાગ તરફ જતાં હતાં ત્યારે પુર ઝડપે બેફિકરાઇથી આવતાં એમએમ 43 બીપી 2595 નંબરના ટ્રકના ચાલકે બાઇક સવાર યુવાનને હડફેટ લેતાં અકસ્માતમાં બાઇક પાછળ બેસેલા સ્મિત મકવાણા (ઉ.વ.10) નામના બાળકનું ગંભીર ઇજા પહોંચતા પિતાની નજર સામે મોત નિપજયું હતું. ત્યારે પિતા અમુભાઇને શરિરે નાની-મોટી ગંભી ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતના બનાવની જાણના આધારે પીએસઆઇ એમ.એન.જાડેજા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પર બાળકના મૃતદેહનો કબ્જો સંભાળી ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે મૃતક બાળકના કાકા રાજુભાઇના નિવેદનના આધારે ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.