જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતાં પરપ્રાંતિય યુવાનના નવ માસનો બાળક રમતો હતો તે દરમિયાન બોલેરો કારના ચાલકે ટાયર ચડાવી દેતા બાળકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપૂર જિલ્લાના દેવલી ગામના વતની રાકેશભાઇ કાલીયાભાઇ ભયડીયા નામના આદિવાસી શ્રમિક યુવાનનો નવ માસનો પુત્ર ખુશાલ દરેડ રેસીડેન્સી વિસ્તાર પ્લોટ નંબર એચ/793 પાસે રમતો હતો તે દરમિયાન બંધ બોલેરો નીચે જતો રહ્યો હતો દરમિયાન જીજે-10-ટીએકસ-7634 નંબરની બોલેરો કારના ચાલકે તેની કાર ચાલુ કરી ચલાવતા નીચે રહેલા નવ માસના માસુમ બાળકનું ચગદાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ બાળકને 108 એમ્બ્યુલન્સ દ્વારા દ્વારા જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની રાકેશભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.