Sunday, December 10, 2023
Homeરાજ્યહાલારસાંસદ પૂનમબેન માડમના સહયોગથી ખંભાળિયામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સાંસદ પૂનમબેન માડમના સહયોગથી ખંભાળિયામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

વિવિધ રોગોના છ હજાર જેટલા દર્દીઓએ દવા સહિતનો લાભ લીધો

- Advertisement -

ખંભાળિયામાં રવિવારે સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે અને ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ હાલારના સાંસદ પૂનમબેન માડમના સહયોગથી મેગા સર્વરોગ નિદાન, સારવાર તથા દવા વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. તમામ પ્રકારના નિષ્ણાત તબીબોના નિદાન તેમજ દવાનો લાભ આશરે છ હજારથી વધુ દર્દીઓએ લીધો હતો.

- Advertisement -

ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલી જાણીતી એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના વિશાળ પરિસરમાં સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજનબદ્ધ રીતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન, સારવાર તથા દવા વિતરણ કેમ્પનું આયોજન ગઈકાલે રવિવારે સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ગાયનેક, આંખ વિભાગ, જનરલ ફિઝિશિયન, ન્યુરોલોજી, ઓર્થોપેડિક, સ્કીન સ્પેશ્યાલિસ્ટ, બાળરોગ નિષ્ણાત, જનરલ સર્જન સહિતના તમામ રોગોના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની બીમારી અંગેનું નિદાન કરી, જરૂરી સારવાર કરવામાં આવી હતી. આટલું જ નહીં, આ જ સ્થળેથી તમામ પ્રકારની દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.

- Advertisement -

ગઈકાલે સવારથી મોડી સાંજ સુધી આ કેમ્પનો લાભ લેવા જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ વિગેરે ઉમટી પડ્યા હતા અને મોડી સાંજ સુધી ચાલેલા આ કેમ્પમાં આશરે 6,000 થી વધુ દર્દીઓએ નિદાન, સારવાર તેમજ દવાનો લાભ લઈ અને સંતોષની લાગણી અનુભવી હતી.

આ કાર્યક્રમમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, એસ.એન.ડી.ટી. સંસ્થાના ટ્રસ્ટી અને અગ્રણી ઉદ્યોગપતિ પરાગભાઈ બરછા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, બારાડીના રઘુવંશી અગ્રણી દ્વારકાદાસભાઈ રાયચુરા, પાલભાઈ કરમુર વિગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કેમ્પમાં નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, મહિલા અગ્રણી નિમિષાબેન નકુમ, રેખાબેન ખેતિયા, ગીતાબા જાડેજા, અનિલભાઈ ચાવડા, હરિભાઈ નકુમ, જીતુભાઈ કણજારીયા, સહિત જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મેડિકલ કેમ્પની સફળતા માટે સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શિવાની ફાઉન્ડેશનના સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ અનેક નિષ્ણાંત તબીબોની ટીમ ઉપરાંત કાર્યકરોની જહેમત ભારે આવકારદાયક બની રહી હતી. શાળા પરિસરમાં આયોજનબદ્ધ રીતે યોજાયેલા આ કેમ્પમાં જિલ્લા તથા ખંભાળિયા શહેર સંગઠન, પાલિકાના સદસ્યો, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો વિગેરેએ ઉપસ્થિત રહી અને જરૂરી જવાબદારીઓ સંભાળી હતી. જે બદલ સાંસદ પુનમબેન માડમે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કેમ્પમાં આવેલા દર્દીઓ તથા તેમના પરિવારજનો માટે ભોજન, ચા-પાણી સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલા આ પ્રકારના ભવ્ય અને સફળ નિદાન કેમ્પ અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular