Saturday, February 15, 2025
Homeરાજ્યહાલારભાણવડમાં એડવોકેટ પુત્ર અને તેના પિતા ઉપર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો

ભાણવડમાં એડવોકેટ પુત્ર અને તેના પિતા ઉપર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો

નવ શખ્સો દ્વારા પાઈપ, તલવાર, ધોકા વડે હુમલો કર્યો : માત્ર આઠ હજારની ઉઘરાણીમાં લમધાર્યા : આરોપીઓની ધરપકડ

- Advertisement -

ભાણવડમાં રહેતા એક એડવોકેટ તથા તેમના પિતા પર બે દિવસ પૂર્વે જીવલેણ હથિયારો વડે હુમલો થવાના ચર્ચાસ્પદ બનાવમાં સ્થાનિક પોલીસે એક અજાણ્યા સહિત નવ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરીને કેટલાક આરોપીઓને ઝડપી લીધા છે.

- Advertisement -

ભાણવડ તાલુકા સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત એવી છે કે ભાણવડમાં આવેલા પટેલ સમાજ સામે મહાલક્ષ્મી નગરમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા અનિલભાઈ રામભાઈ ઓડેદરા નામના 38 વર્ષના મહેર યુવાન તથા તેમના પિતા રામભાઈ ઓડેદરા પર રવિવાર તા. બીજી ફેબ્રુઆરીના રોજ કેટલાક શખ્સોએ લોખંડના પાઇપ, તલવાર તેમજ બેઝબોલના ધોકા વડે હુમલો કરીને તેમને લોહી-લોહાણ કરી દીધા હતા. આ પ્રકરણ સંદર્ભે અનિલભાઈ ઓડેદરા દ્વારા ભાણવડના રહીશ લખન જેસાભાઈ કારાવદરા, જેસાભાઈ વિસાભાઈ કારાવદરા, વિરમ વિસાભાઈ કારાવદરા, અનિલ વિરમભાઈ કારાવદરા તેમજ ભરતપુર ગામના નગાભાઈ બાલુભાઈ મોઢવાડિયા અને જયમલ નગાભાઈ, રામભાઈ જેસાભાઈ કારાવદરા અને બગવદર ગામના અજુ ગોઢાણીયા તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ મળી કુલ નવ શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ વકીલાતનો વ્યવસાય કરતાં અનિલભાઈ ઓડેદરાએ થોડા સમય પૂર્વે લખન કારાવદરાની જમીનનો દસ્તાવેજ કર્યો હતો. જે માટે નક્કી કરવામાં આવેલી રૂપિયા 8,000 ની ફી તેમને લેવાની થતી હતી. જેથી દસ્તાવેજની ઓરીજનલ ફાઈલ અનિલભાઈએ પોતાની પાસે રાખી હતી. આથી અન્ય એક આરોપી જેસાભાઈ કારાવદરાએ થોડા સમય પૂર્વે અનિલભાઈ પાસે ફાઈલ માગતા તેમણે દસ્તાવેજની ફી ની રકમ માંગી હતી. આ બાબતે બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી. આ અંગેનો ખાર રાખી, લખન કારાવદરાએ તા. 2 ના રોજ ભાણવડ ટાઉનમાં આવેલી ડિલક્સ પાનની દુકાન પાસે અનિલભાઈની કાર સાથે એક્ટિવા અથડાવ્યું હતું અને લખને બોલાચાલી કરી અને “તું ઘરે પહોંચી જા અમે આવીએ છીએ. આજે તને પતાવી દેવો છે” ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

- Advertisement -

આ પછી આરોપી લખન તેના મોટા બાપુ વિરમ કારાવદરા સાથે અહીં આવ્યા હતા. જ્યાં પ્રથમ છ શખ્સોએ ગુનાહિત કાવતરૂં રચીને સમાધાન માટે સાહેદ ભીખાભાઈ કુછડીયા તથા અરશીભાઈ ઓડેદરા ત્યાં આવતા સમાધાનના બહાને સમય પસાર કર્યો હતો અને કાવતરાના ભાગરૂપે અન્ય બે આરોપીઓ રામભાઈ જેસાભાઈ અને અજુ ગોઢાણીયાએ સફેદ કલરની કારમાં આવી અને તમામ આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે એકસંપ કરી અને તલવાર, બેઝબોલના ધોકા જેવા મારક હથિયારો વડે એડવોકેટ અનિલભાઈના ઘરમાં ગુનાહિત અપ પ્રવેશ કરી, અહીં પિતા-પુત્ર ઉપર હથિયારો વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

આમ, એક અજાણ્યા સહિત તમામ નવ આરોપીઓએ અનિલભાઈ તથા તેમના પિતાને બિભત્સ ગાળો કાઢી, ફ્રેક્ચર સહિતની ઈચ્છાઓ પહોંચાડતા ભાણવડ પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત પોલીસ એક્ટ સહિતની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર ઘટના સંદર્ભે અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ તેમની ટીમે તાકીદની કાર્યવાહી કરી, ટૂંકા સમય ગાળામાં છ શખ્સોની અટકાયત કરી લીધી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. પી.જે. ખાંટ ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular