સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં પોક્સો અદાલત દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા સ્પે. પોક્સો કોર્ટ દ્વારા હુકમ કરાયો છે.

કેસની વિગત મુજબ આરોપી પંકજ તેરસિંગ બારિયાએ ફરિયાદીની વાડીએ મજૂરીકામ કરતો હોય, ફરિયાદીની સગીર વયની પુત્રી પણ વાડીએ જતી હોય આરોપીએ ભોગ બનનાર સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ભોગ બનનારને મોબાઇલ આપી તેમાં વાતચીત કરતાં હતાં. આરોપીએ ભોગ બનનારને ફોન કરી જણાવ્યું હતું કે, હું તને લેવા આવું છું. તારીખ 03-12-2018ના બપોરે નિકાવા બસ સ્ટેન્ડ આવી જજે. જેથી ભોગ બનનાર નિકાવા બસ સ્ટેન્ડ જતાં આરોપી ભોગ બનનારને લઇ એસટી બસમાં રાજકોટ અને રાજકોટથી અમદાવાદ, સલારપુર આરોપી જે વાડીએ રહેતો હોય ત્યાં લઇ ગયો હતો. અને ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી પંકજ તેરસિંગ બારીયા સામે કાલાવડ (ગ્રામ્ય) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ સ્પે. કોર્ટમાં વી. પી. અગ્રવાલની કોર્ટમાં ચાલતા સરકારી વકીલની દલીલ માન્ય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી આઇપીસી કલમ 376(જે) તથા પોક્સો કલમ 4, 6 મુજબ વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા આઇપીસી કલમ 363 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા બે હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલતરીકે ભારતીબેન વાદી રોકાયા હતા.