જામનગર શહેરમાં અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતાં યુવાનને વિશ્ર્વાસમાં લઇ ત્રણ મહિલાઓએ એક્સપોર્ટ-ઇમ્પોર્ટમાં વધુ નફો કમાવાની લાલચ આપી રૂા. 10,09,900ની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રહેતી ત્રણ મહિલાઓ દ્વારા ઇન્ટીરિયર ડિઝાઇનર મહિલા સાથે રૂા. 4.20 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ આ ત્રણ મહિલાઓ સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. જેની વિગત મુજબ, જામનગર શહેરમાં માધવબાગ-1 સાંઢિયા પુલ પાસે રહેતાં નિમેષ દિલીપકુમાર શેઠ નામના યુવાનને પટેલ કોલોની શેરી નંબર ચારમાં આવેલા ઓરચીડ એવન્યૂના ફલેટ નંબર બી-103માં રહેતી ચાર્મીબેન ગજાનન વ્યાસ તથા નાહેલાબાનુ મેમણ અને જાગૃતિબેન વ્યાસ નામની ત્રણેય મહિલાઓએ એકસંપ કરી તેમની શ્રીજી એન્ટરપ્રાઇઝ નામની એક્સપોર્ટ-ઇમ્પોર્ટની પેઢીમાં ઇલેકટ્રીક વસ્તુઓ ટીવી અને એ.સી. જે સસ્તા ભાવે મંગાવી અને ઊંચા ભાવે વેચાણ કરી મોટો નફો કમાવાની લાલચ આપી નિમેષને વિશ્ર્વાસમાં લીધો હતો અને ત્યારબાદ નિમેષ પાસેથી ગૂગલ પે તથા ઓનલાઇન મારફત રૂા. 10,09,900 પડાવી લીધાં હતાં અને ત્યારબાદ ધંધામાં થયેલા નફામાં ભાગ આપવા તેમજ રોકાણ કરેલી મૂડી પરત આપવા મહિલાઓ આનાકાની કરતી હતી.
અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરવા છતાં ત્રણેય મહિલાઓ નિમેષને સંતોષકારક જવાબ આપતી ન હતી. જેથી આખરે કંટાળીને પોલીસ શરણે ગયા હતા. જ્યાં ઠગ ત્રિપૂટી મહિલાઓ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ મહિલા ત્રિપૂટી સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.