જામજોધપુર તાલુકાના મેથાણ ગામની સીમમાં બંધ પડેલ ટ્રક સાથે ટ્રેકટર ટ્રોલીને દોરડુ બાંધતા સમયે અકસ્માતે ટ્રક પાછળ ચાલતા ટ્રક અને ટ્રોલી વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત નિપજ્યું હતું.

વિચિત્ર અકસ્માતની ઘટનાની વિગત મુજબ, મધ્યપ્રદેશના જામ્બુવા જીલ્લાના ડુમપાડા ગામનો વતની અને પર્વેશભાઈ સોબનભાઈ મચ્છાર (ઉ.વ.25) નામનો યુવાન ગત તા. 11 ના રોજ વહેલીસવારના 6 વાગ્યાના અરસામાં ખાણ પાસેન રોડ પર બંધ પડેલ જીજે-03-એઝેડ-9944 નંબરના ટ્રકની સાથે જીજે-10-ડીવાય-3908 નંબરના ટે્રકટરની ટ્રોલીનું દોરડુ બાંધતો હતો તે દરમિયાન અકસ્માતે ટ્રક પાછળ ચાલતા યુવાન ટ્રક અને ટે્રકટરની ટ્રોલી વચ્ચે દબાઈ જવાથી શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં શુક્રવારે તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ અરવિંદ દ્વારા જાણ કરાતા હેકો બી પી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.