જામનગર જિલ્લાના મોટીખાવડી ગામમાં આવેલી ટાઉનશીપમાં રહેતા પ્રૌઢ સાથે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડીટ કાર્ડ ડિપાર્ટમેન્ટના કર્મચારી તરીકે ઓળખ આપી પ્રૌઢના ક્રેડિટ કાર્ડ દ્વારા ફલિપકાર્ડમાં રૂા. 4,50,298ની ઓનલાઇન ખરીદી કરી છેતરપીંડી આચરી હતી.

આ અંગેની વિગત મુજબ ન્યુદિલ્હીના જનકપુરી વિસ્તારના વતની અને હાલ જામનગર જિલ્લાના મોટીખાવડીમાં આવેલી ગ્રીન ટાઉનશીપમાં સેકટર નં. 22 અને બ્લોક નં. 21/એમાં રહેતા ગુરુવિંદરસિંહ એમએસ કવલ (ઉ.વ.55) નામના પ્રૌઢને આઇસીઆઇસીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટના કર્મચારી તરીકે ઓળખ આપી મો. નં. 99537 63982 અને 02269 315000 નંબર પરથી શખ્સોએ પ્રૌઢને ક્રેડિટ કાર્ડના જોઇનીંગ રિવોર્ડ પોઇન્ટ રિડીમ કરવા અંગેની પ્રક્રિયાના બહાને વેબસાઇટ ઓપન કરાવી પ્રૌઢના આઇસીઆઇસીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા ફલિપકાર્ડ ઉપરથી બે વખત ઓનલાઇન પેમેન્ટ કરી રૂા. 4,50,298ની ખરીદી કરી છેતરપીંડી આચરી હતી. ત્યારબાદ આ બનાવ અંગે પ્રૌઢ દ્વારા જાણ કરાતાં પીઆઇ પી.પી. જયસ્વાલ તથા સ્ટાફે મોબાઇલ નંબર ધારક શખ્સ વિરુધ્ધ ઓનલાઇન છેતરપીંડીનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.