જામનગર શહેર-જિલ્લામાં રવિવારે વાતાવરણમાં પલ્ટા બાદ મેઘરાજાનું આગમન થયું હતું. ગઇકાલે પણ ધ્રોલમાં પોણો ઇંચ તથા જામજોધપુરમાં વધુ અડધો ઇંચ પાણી વરસ્યું હતું. જ્યારે કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાથી એક ઇંચ સુધી પાણી વરસ્યું હતું.
શહેર-જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ ચૂકી છે. ગઇકાલે સોમવારે પણ કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. આજે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમ્યાન ધ્રોલ તાલુકામાં પોણો ઇંચ તથા જામજોધપુર તાલુકાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો, જામનગર તાલુકામાં જામવંથલીમાં એક ઇંચ, ધ્રોલના જાલિયાદેવાણીમાં સવા ઇંચ, લાલપુરના હરિપરમાં પોણો ઇંચ અને ધ્રોલના લૈયારામાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગરના મોટી બાણુંગારમાં પાંચ મી.મી., ફલ્લામાં બે મી.મી., જામજોધપુરના સમાણામાં 8 મી.મી., શેઠવડાળામાં 2 મી.મી., જામવાડીમાં ચાર મી.મી., વાંસજાળિયામાં પાંચ મી.મી., ધુનડામાં બે મી.મી., ધ્રાફામાં સાત મી.મી., પરડવામાં બે મી.મી., લાલપુરના ભણગોરમાં બે મી.મી. જેટલા વરસાદી ઝાપટા જોવા મળ્યાં હતાં.
વરસાદના આગમન સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો બીજીતરફ ખેડૂતો વાવણીમાં લાગ્યા છે. જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાનો વિરામ જોવા મળ્યો છે.