દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને અક્ષય તૃતીયાથી માસ સુધી ગ્રીષ્મકાળમાં ગરમીથી બચવા ઋતુ અનુસાર ચંદન વાઘા તથા ઠંડક આપતા પુષ્પોનો વિશેષ શૃંગાર કરવામાં આવી રહ્યો છે. હાલ ગ્રીષ્મકાળના અંતિમ દિવસોમાં ગઈકાલે સોમવારે સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે શ્રીજીને વારાદાર પૂજારી દ્વારા ચંદન વાઘા સાથેનો દિવ્ય પુષ્પ શૃંગાર યોજયો હતો. જેનો બહોળી સંખ્યામાં સ્થાનિક તથા બહારગામથી આવેલા ભાવિકોએ લાભ લીધો હતો.
આ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતોએ પણ આ દિવ્ય દર્શનનને નિહાળ્યા હતા. ગ્રીષ્મકાળમાં ઠાકોરજીને ઋતુ અનુસાર ઠંડા ભોગ પણ અર્પણ કરાય છે.
દ્વારકાના જગતમંદિરમાં આગામી શનિવાર તા. 28 ના રોજ સાંજે 5 થી 7 સુધી પુષ્ય નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનના રથયાત્રાનું આયોજન કરાયું છે. શનિવારે અષાઢી બીજના પાવન દિવસે જગત મંદિરમાં ભગવાન શ્રીજીના સ્વરૂપને ચાંદીના રથમાં પધરામણી કરાવી મંદિર પૂજારી દ્વારા દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરાવવામાં આવશે. મંદિર પરિસરમાં પૂજારી પરિવાર સાથે આયોજિત રથયાત્રા મહોત્સવમાં હજારો ભાવિકો જોડાશે. રથયાત્રા મહોત્સવનો સર્વે વૈષ્ણવોએ લાભ લેવા મંદિર વહીવટદારની યાદીમાં જણાવાયું છે.
દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવારના વારાદાર પૂજારી નલીનભાઈ કિશોરચંદ્ર ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું કે, દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરા મુજબ શ્રીજીના બાળ સ્વરૂપને ગર્ભગૃહમાંથી બહાર લાવીને ભકતો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશને બાળ સ્વરૂપે ચાંદીના રથમાં બેસાડીને શ્રીજીને મુખ્ય મંદિરની ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવે છે. શ્રીજીની દરેક પરિક્રમા બાદ ભોગ અને આરતી પણ કરવામાં આવે છે. જે અનુસાર રથયાત્રા દરમ્યાન ઠાકોરજીના બાલસ્વરૂપની ચાર પરિક્રમાં જગતમંદિર પરિસરમાં યોજવામાં આવશે.
ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપની મુખ્ય મંદિરની ચોથી પરિક્રમા બાદ દ્વારકાધીશના મુખ્ય મંદિરની સામે આવેલાં માતા દેવકીજીના મંદિર પાસે આવેલા સ્તંભ સાથે અથડાવવામાં આવશે. લોકવાયકા મુજબ શ્રીજીના આ રથને આ સ્તંભ સાથે અથડાવાથી આકાશમાં વાદળો બંધાય છે અને દરેક જગ્યાએ સારો વરસાદ વરસે છે. સારા વરસાદથી ઉત્તમ પાક થતાં ખેડૂતો – લોકોના ઘર ધન-ધાન્યથી ભરાય છે તેવી માન્યતા છે.