જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 58 વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂની 14 બોટલો કબ્જે કરી શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જોડિયા તાલુકાના લીંબુડા ગામના પાટીયા પાસેથી પોલીસે કારને આંતરીને તલાસી લેતા તેમાંથી દારૂની બોટલો મળી આવતા પોરબંદરના બે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના હિંગરાજ ચોકમાં રહેતા અને રીક્ષા ચલાવતા જીતુ નારણ કનખરા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા. 7000 ની કિંમતની દારૂની 14 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે જીતુ કનખરાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જામનગરમાં રહેતા અનિલ લહેરી દામા નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે અનિલની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
બીજો દરોડો, જોડિયા તાલુકાના લીંબુડા ગામના પાટીયા નજીકથી પસાર થતી જીજે-03-જેઆર-0942 નંબરની કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા. 1000 ની કિંમતની દારૂની ત્રણ બોટલની મળી આવતા જોડિયા પોલીસે બે લાખની કિંમતની કાર અને એક હજારની દારૂની બોટલો તથા ત્રણ હજારની કિંમતનો મોબાઇલ ફોન સહિત રૂા.2,04,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી પોરબંદરના મહમદહુશેન અકબર ખોડ અને અમિન રહીમ ખોડ નામના બે શખ્સોની ધરપકડ કરી આ દારૂનો જથ્થો કોણે સપ્લાય કર્યો ? તે અંગેની આગળની તપાસ હાથ ધરી હતી. જામનગર જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન દ્વારા દારૂની બદી ડામવા અપાયેલી કડક સૂચનાના આધારે પોલીસ દ્વારા ઠેર-ઠેર દારૂ અંગેના દરોડા પાડી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.