જામનગરમાં રહેતાં નરાધમ પિતાએ સગીર પુત્રી ઉપર અવાર-નવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાના કેસમાં અદાલતે નરાધમ પિતાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દંડ તથા ભોગ બનનારને વળતર પેટે છ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત મુજબ, જામનગરમાં રહેતાં કાના રુપા કારીયા નામના નરાધમ પિતાએ તેની સગીર પુત્રીને 2020 થી બે વર્ષ સુધી અવાર-નવાર મારી નાખવાની ધમકી આપી શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યુ હતું. પિતા દ્વારા અવાર-નવાર દુષ્કર્મ આચર્યા બાદ સગીરાને પેટમાં દુ:ખાવો થતા જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા ત્યાં સગીરા ગર્ભવતી હોવાનું ખુલતા પિતાની નરાધમ કરતુતો બહાર આવી હતી. જેના આધારે સિટી સી ડીવીઝન પોલીસે ભોગ બનનાર સગીરાના નિવેદનના આધારે તેણીના પિતા વિરૂધ્ધ પોકસો અને દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ દુષ્કર્મનો કેસ જામનગરની સ્પે. કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ભારતીબેન વાદી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પૂરાવાઓ અને 19 જેટલા સાક્ષીઓ અને બંને પક્ષની દલીલોના આધારે અદાલતે નરાધમ પિતાને તકસીરવાન ઠેરવી પોકસો કલમ 4, 6 માં આજીવન કેદની સજા એટલે કે છેલ્લાં શ્ર્વાસ સુધી સજા તથા પોકસો કલમ 8 માં પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને આઈપીસી કલમ 506 (2) મુજબ સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
તેમજ આ તમામ સજાઓ અને 10 હજારનો દંડ ભરવાનો તથા જો દંડ ન ભરે તો વધુ એક માસની સખ્ત કેદની સજા તથા દંડની રૂા.40000 ભોગ બનનારને આપવા તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂા.6 લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ ભારતીબેન વાદીની ધારદાર દલીલો અને દસ્તાવેજી પુરાવાઓ માન્ય રાખી નરાધમ પિતાને છેલ્લાં શ્ર્વાસ સુધીની કેદનો હુકમ કરવામાં આવ્યો હતો. દુ:ખદ બાબત એ છે કે નરાધમ પિતાએ સગીરા પુત્રી ઉપર દુષ્કર્મ આચર્યુ તે પહેલાં ભોગ બનનારની મોટી બહેન સાથે પણ અડપલા કર્યા હતાં. જેથી તે વિકાસ ગૃહમાં રહેવા જતી રહી હતી.