ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે દોઢેક વર્ષ પહેલા બોગસ દસ્તાવેજ પ્રકરણમાં વિદેશ નાસી છૂટેલા મુસ્લિમ યુવાનને એસ.ઓ.જી. પોલીસે પરત આવતા દબોચી લીધો હતો.
આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં બારલો વાસ ખાતે રહેતા મજીદ જુનસ અલીભાઈ ભગાડ નામના 38 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાન સામે આજથી આશરે દોઢેક વર્ષ પૂર્વે બોગસ દસ્તાવેજ સંદર્ભનો ગુનો નોંધાયો હતો. બાદમાં આ યુવાન વિદેશ નાસી છૂટયો હતો. આ શખ્સ તેમના વતન સલાયા ખાતે પરત આવવાનો હોવા અંગેની ચોક્કસ બાતમી દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળતા ગઈકાલે ગુરુવારે એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ સલાયાની જેટી વિસ્તારમાં સિવિલ ડ્રેસમા પોલીસ સ્ટાફએ વોચ ગોઠવી હતી અને તેમની સાથે ઈમિગ્રેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જોડાઈને સલાયા ખાતે લાંગરેલા મહેબૂબ મયુદ્દીન નામના વહાણમાંથી કેટલાક ખલાસીઓ ઉતરતા એક પોલીસ કર્મચારીએ મજીદ ભગાડના નામની બૂમ પાડતા તે આગળ આવ્યો હતો અને પોલીસે તેને દબોચી લીધો હતો.
એસ.ઓ.જી. પોલીસ દ્વારા મજીદ ભગાડની આગવી ઢબે પૂછપરછ કરતા દુબઈ તરફ નાસી છૂટેલા ઉપરોકત શખ્સે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. વધુ તપાસ અર્થે તેનો કબજો સલાયા મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફના પી.એસ.આઈ. પી.સી. સિંગરખીયા, રાજભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, ધમભા જાડેજા, મહાવીરસિંહ ગોહિલ તથા સલાયાના દેવેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.