સમગ્ર વિશ્વમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવા, અમદાવાદમાં એસપી રિંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર રચાયેલ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નો ગઇકાલે 4 ડિસેમ્બરે ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ સંપન્ન થયો હતો.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઇકાલે સાંજે 5.30 કલાકે નગરનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સભામાં લાખો ભક્તો અને ભાવિકોનો મહાસાગર છલકાતો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીએપીએસના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હરી ભકતોને સંબોધીત કરતાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, આ જન્મ શતાબ્દી મહોત્સવ આવનારી પેઢીને પ્રેરણા આપશે. પ્રધાનમંત્રીએ મહોત્સવને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, આ નગરમાં હજારો વર્ષની સમૃધ્ધ સંત પરંપરાના દર્શન થઇ રહયા છે. તેમણે પ્રમુખ સ્વામી સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યાં હતા. એટલું જ નહીં પ્રમુખ સ્વામી મહારાજને તેમણે પોતાના પિતાતૂલ્ય ગણાવ્યા હતા. પ્રમુખ સ્વામીના વ્યકિતત્વ અને સેવા ભાવનાનો નમન કરતાં કહ્રું કે તેઓ સાચા અર્થમાં એક સમાજ સુધારક હતા.
પ્રમુખસ્વામીએ સંત પરંપરા અને સેવાને આધુનિકતા સાથે જોડીને એક નવો જ ચિલો ચાતર્યો છે. દિલ્હીમાં અક્ષરધામના નિર્માણને યુગ પ્રવર્તક કાર્ય તરીકે ગણાવ્યું હતું. ઉદ્ઘાટનની માંગલિક વેળાએ પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવના પ્રેરણામૂર્તિ મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રમુખસ્વામી નગરના મુખ્ય કલાત્મક અને ભવ્ય પ્રવેશદ્વાર – ‘સંત દ્વાર’ પાસે પધાર્યા હતા. વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે મહંતસ્વામી મહારાજ અને નરેન્દ્ર મોદીજીએ સૂત્ર છોડીને વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. મહંતસ્વામી મહારાજ, પ્રધાનમંત્રી અને મહાનુભાવો નગરમાં પ્રવેશ કરી મુખ્યપથ પર પધાર્યા હતા. પથની બંને બાજુ સેંકડો બાળકો અને યુવાનોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા સૌનું સ્વાગત કર્યું હતું. સૌનું સ્વાગત ઝીલતાં મહાનુભાવો નગરના કેન્દ્ર સમાન ‘પ્રમુખ વંદના સ્થળ’ પર પહોંચ્યા, જ્યાં 15 ફૂટની પીઠિકા પર વિરાજિત પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી નયનરમ્ય, દિવ્ય પ્રતિમા પર પ્રધાનમંત્રીએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી. અહીંથી પ્રધાનમંત્રી દિલ્હી અક્ષરધામની પ્રતિકૃતિ એવા 67 ફૂટ ઊંચા મંદિર પાસે પધાર્યા હતા. મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન સ્વામિનારાયણ અને સંતપરંપરા તથા મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન સીતા- રામ, રાધા-કૃષ્ણ, શિવ પાર્વતી વગેરે સ્વરૂપોને વંદન કરી પ્રદક્ષિણા કરી હતી. નગરમાં ગ્લો ગાર્ડન અને બાલનગરીની મુલાકાત લઈ સૌ સભામંડપમાં પધાર્યા હતા. સભામાં ઉપસ્થિત ભક્તોએ મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રીનું હર્ષભેર પ્રમુખસસ્વામી મહરાજના જયઘોષથી અભિવાદન કર્યું.
આશીર્વાદ વરસાવતાં મહંતસ્વામી મહારાજે કહ્યુ હતું કે, સર્વોત્તમ જીવન મુલ્યોની પ્રેરણા આપતા પ્રમુખ સ્વામી નગરમાં પધારવા સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. બીએપીએસ સંસ્થાના અનેક સાંસ્કૃતિક, શૈક્ષણિક, આધ્યાત્મિક પ્રકલ્પોમાં અને અનેકવિધ રાહતકાર્યો અને સામાજિક સેવાઓના અનુસંધાનમાં નરેન્દ્રભાઈ ચાર દાયકાઓ સુધી નિરંતર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નિકટ સંપર્કમાં આવ્યા હતા. તેઓએ અનેક પ્રસંગોમાં પ્રત્યક્ષરૂપે પ્રમુખસ્વામી મહારાજનું વાત્સલ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ક્ષરધામ એક એવી પરંપરા છે કે એના એક કેસ સ્ટડી તરીકે દુનિયાની યુનિવર્સીટીઓને નિમંત્રિત કરવી જોઈએ કે ભારતમાં સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં પણ મોડર્ન મેનેજમેન્ટ અને મોડર્ન ટેક્નોલોજીનો કેવો અદભૂત સુયોગ છે! …અને સારંગપુરમાં સંતો માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ થયું છે! આજે હું એવું કહી શકું કે હિન્દુસ્તાનમાં સંતપરંપરા માટે આટલા કઠોર નિયમો અને જ્ઞાનના અધિષ્ઠાન પર ભક્તિ! ભક્તિમાં પણ તર્કના તરાજૂએ તોળાયેલી વ્યવસ્થા! …હું સારંગપુરમાં બાપાએ શરુ કરેલો આખો સિલેબસ જોવા ગયો હતો. કેવી રીતે સંતોની ટ્રેનિંગ થાય છે એ બધું જોયું હતું. કેટલા બધા વર્ષોનો નાતો! જયારે જાહેર જીવનમાં મારી કોઈ જ ઓળખાણ-પિછાણ નહોતી,…ત્યારથી લઈને એક સંતાનને જેમ પાલવે, પોષે, મઠારે એવો પિતૃતુલ્ય લાભ મને પ્રમુખસ્વામી પાસેથી મળ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની વિદાયથી મેં તો પિતા ગુમાવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ આપણા માટે ગુરૂ તરીકે જેમ ઉત્તમ પથદર્શક રહ્યા છે, એમ એ શિષ્ય તરીકે ઉત્તમ શિષ્ય પુરવાર થયા છે. અને એક ઉત્તમ શિષ્ય તરીકે યોગીજી મહારાજની એ ઈચ્છા યમુનાને કિનારે અક્ષરધામ બનાવીને પૂરી કરી. 1992માં નગરના લાલચોકમાં હું તિરંગો ઝંડો ફરકાવવા ગયો. હજી તો ધ્વજ ચડાવીને વિધિ પતાવીને હું એરપોર્ટ પહોંચ્યો અને મને બે ટેલીફોન મળ્યા. પહેલો ફોન હતો પ્રમુખસ્વામીજીનો ! બીજો ફોન મારી માતાનો! આવી વિભૂતિ, એક યુગપુરુષ, ઉત્તમ સંતકોટિની મહાન પરંપરાના નિયંતા અને આગળ આવનારી સદીઓ સુધી અસર પેદા કરનારું વ્યક્તિત્વ આજે વિદાય થયું છે. પરંતુ પ્રમુખસ્વામીજી સ્વધામમાં હોય તોપણ એમનાં આચાર-વિચાર, ત્યાગ, તપશ્ચર્યા, જીવન, સંયમ, નૈતિકતા આ સઘળું આપણા શ્વાસેશ્વાસમાં હરપળ રહેશે. આપણે જેમના નિરંતર આશીર્વાદની અનુભૂતિ કરીએ છીએ, જેમને માટે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વચ્ચે કોઈ ભેદ નથી તેવા પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં હું પ્રણામ કરૂં છું. આજના યુગમાં પણ આ ધરતી પર એક આવી દિવ્ય શક્તિ વસી રહી છે. જેના લીધે વિશ્વ માનવ-કલ્યાણ માટેએક આશાની અનુભૂતિ કરતું હશે. હોસ્પિટલો તો ઘણી હોય છે, સારી પણ હોય છે, આધુનિક પણ હોય છે, પરંતુ બીજી હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં થોડોક ફરક છે. આરોગ્ય ક્ષેત્રમાં સંપૂર્ણ આધુનિકતાથી સજ્જ એવી આ હોસ્પિટલ પર આધ્યાત્મિકતાનો અભિષેક છે, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની કૃપાનજર છે. પ્રમુખસ્વામીના જ્યાં પગલાં પડે એ સ્ટાન્ડર્ડ બની જાય. સમગ્ર સાર્વજનિક જીવનમાં શિસ્તની, સુયોજનાની, ક્ષમતાની એક અદભુત મિસાલ આ પ્રમુખસ્વામીના નેતૃત્વમાં એક આંદોલન બની ગઈ છે. માનવજાતનું કલ્યાણ આમાં જ છે. યુગાનુકૂલ પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો જયારે સંત કરતા હોય ત્યારે સામાન્ય વ્યક્તિને આની ખબર ન પડે કે આનું પરિણામ શું આવશે! સંત જયારે કરતા હોય છે ત્યારે આવનારી સદીઓ સુધી એનો પ્રભાવ પડતો હોય છે.પ્રમુખસ્વામીના આશીર્વાદ સંસ્કૃતિ રક્ષાની તાકાત આપે છે.પ્રમુખસ્વામીના આશીર્વાદ જીવન જીવવાની તાકાત આપે છે. પ્રમુખસ્વામીના આશીર્વાદ સત્ય માટે જીવવા-મરવાની તાકાત આપે છે.એ જ તાકાતની ખેવના છે.