Friday, October 2, 2026
Homeસ્પોર્ટ્સવર્લ્ડ કપ 2027: ભારત-પાકિસ્તાન ફરી આમને-સામને, જાણો ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ

વર્લ્ડ કપ 2027: ભારત-પાકિસ્તાન ફરી આમને-સામને, જાણો ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનાર આ મેગા ટૂર્નામેન્ટમાં ભારતને ગ્રુપ Aમાં સ્થાન મળ્યું છે. ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને એક ક્વોલિફાયર ટીમ હશે.

- Advertisement -

ટૂર્નામેન્ટનો મુખ્ય ગ્રુપ સ્ટેજ 7 ઓક્ટોબર 2027થી શરૂ થશે. ભારત પોતાની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉનમાં મેદાનમાં ઉતરશે. ત્યારબાદ માત્ર ત્રણ દિવસ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે.

7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ

ભારત વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે કરશે. આ મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ખાતે રમાશે. 2023ના વર્લ્ડ કપની ફાઈનલમાં સામસામે આવેલી બંને ટીમો ફરી એકવાર ટકરાશે.

- Advertisement -

10 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મુકાબલો

ક્રિકેટ ચાહકોની સૌથી વધુ નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર રહેશે. બંને ટીમો 10 ઓક્ટોબર 2027ના રોજ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં આમને-સામને આવશે. બંને ટીમો ગ્રુપ Aમાં છે.

ભારત માટે આ ગ્રુપ સ્ટેજની બીજી મેચ હશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન, ક્વોલિફાયર A અને ઝિમ્બાબ્વે સામે રમશે.

- Advertisement -

વર્લ્ડ કપમાં નવો ‘સુપર 7’ ફોર્મેટ

2027ના વર્લ્ડ કપમાં અગાઉની આવૃત્તિઓ કરતાં અલગ ફોર્મેટ જોવા મળશે. ગ્રુપ A અને ગ્રુપ Bમાંથી ટોચની ત્રણ-ત્રણ ટીમો સુપર 7 તબક્કામાં પહોંચશે. બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમોમાંથી વધુ સારા રેકોર્ડવાળી ટીમને પણ સુપર 7માં સ્થાન મળશે. આમ કુલ સાત ટીમો આગળના તબક્કામાં રમશે.

ભારતને સુપર 7 માટે A1 તરીકે પ્રી-સીડ કરવામાં આવ્યું છે. જો ભારત સુપર 7માં પહોંચે છે, તો નિર્ધારિત સીડિંગ પ્રમાણે તેની ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની મેચોનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ મેચોમાં સામેની ટીમોનું સ્થાન તેમના ક્વોલિફિકેશન પર નિર્ભર રહેશે.

21 નવેમ્બરે ફાઈનલ

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027ની શરૂઆત 2 ઓક્ટોબરે નામિબિયાના વિન્ડહોકમાં ત્રણ ટીમોની સુપર સિરીઝથી થશે. મુખ્ય ગ્રુપ સ્ટેજ 7 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે ટૂર્નામેન્ટની ફાઈનલ 21 નવેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે. સેમિફાઈનલ 17 અને 18 નવેમ્બરે કેપટાઉન અને ત્શ્વાનેમાં યોજાશે.

આ વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને 57 મેચ રમાશે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે આ ટૂર્નામેન્ટનું આયોજન કરશે.

આ રીતે ભારતના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત જ ઓસ્ટ્રેલિયા સામેની મોટી ટક્કરથી થશે અને ત્યારબાદ ભારત-પાકિસ્તાનની મેચ માત્ર ત્રણ દિવસના અંતરે રમાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular