ગુજરાતના યુવા ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે યોજાતા ખેલ મહાકુંભ-2026 અંતર્ગત જામનગરમાં મહાનગરપાલિકા શહેર કક્ષાની ફૂટબોલ અને વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જામનગર દ્વારા આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સત્યસાંઈ વિદ્યાલયના મેદાનમાં યોજાતી આ સ્પર્ધાઓમાં ઓપન એજ ભાઈઓની કેટેગરીમાં ખેલાડીઓએ પોતાની રમતકૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
ખેલ મહાકુંભની શહેરકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ઓપન એજ ભાઈઓની કેટેગરીમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો છે. ઝોનકક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનારી ટીમો શહેરકક્ષાની સ્પર્ધામાં ઉતરી છે. દરેક ટીમમાં 12 ખેલાડીઓના આધારે કુલ 144 ખેલાડીઓ આ સ્પર્ધામાં જોડાયા છે. મેદાન પર ખેલાડીઓએ ટીમવર્ક, તાલમેલ અને રમતકૌશલ્યના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રયાસ કર્યો હતો. આ સ્પર્ધામાં વિજેતા થતા ટીમ જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
ફૂટબોલની ઓપન એજ ભાઈઓની કેટેગરીમાં પાંચ ટીમોએ ભાગ લીધો છે. આયોજનની વિગતો મુજબ, દરેક ટીમમાં 12 ખેલાડીઓના આધારે કુલ 60 ખેલાડીઓ સ્પર્ધામાં જોડાયા છે. ખેલાડીઓએ મેદાન પર ઉત્સાહ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે ભાગ લીધો હતો. આ પ્રકારની સ્પર્ધાઓ યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા અને રમતગમતમાં આગળ વધવા માટે મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે.
ખેલ મહાકુંભનો મુખ્ય હેતુ રમતગમત પ્રત્યે યુવાનોમાં જાગૃતિ વધારવા, તેમની પ્રતિભાને યોગ્ય મંચ પૂરો પાડવા અને રમતગમતની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો છે. જામનગરમાં યોજાતી આ ફૂટબોલ અને વોલીબોલ સ્પર્ધાઓ દ્વારા ખેલાડીઓને પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળી રહી છે. સાથે જ ટીમભાવના, શિસ્ત અને તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.
View this post on Instagram


