જામનગર જિલ્લામાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન નાગરિકોની સલામતી અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 21 કોમર્શિયલ ગરબા, 78 મોટા ગરબા તથા 692 શેરી ગરબા મળી કુલ 789 ગરબાનું આયોજન થનાર હોવાથી પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે કુલ 51 પોલીસ અધિકારીઓ સહિત પોલીસ અને અન્ય સુરક્ષા કર્મચારીઓ મળી કુલ 1,371 કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. ગરબા સ્થળોએ પોલીસ અને હોમગાર્ડનો સ્થાયી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનની 20 મોબાઈલ ટીમો તથા સમગ્ર જિલ્લામાં આશરે 32 જેટલી 112 મોબાઈલ ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.
મહિલાઓની સુરક્ષા અને છેડતી સહિતની ઘટનાઓ અટકાવવા માટે જિલ્લા પોલીસની 15 શી-ટીમ દ્વારા ગરબા સ્થળોએ ખાસ વોચ રાખવામાં આવશે. ઘોડેસવાર પોલીસ યુનિટ દ્વારા પણ પેટ્રોલિંગ કરાશે. ટ્રાફિક પોલીસ દ્વારા અગત્યના પોઇન્ટ પર બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ દ્વારા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવશે. આશરે 200 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે અવાવરુ વિસ્તારો, ભીડભાડવાળી જગ્યાઓ તથા ગરબા સ્થળોની આસપાસના વિસ્તારોમાં નાઈટ વિઝન ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે.
View this post on Instagram
જિલ્લા પોલીસની એલસીબી, એસઓજી, પેરોલ-ફર્લો સ્ક્વોડ તથા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો, ગુનેગારો, અસામાજિક તત્ત્વો અને ટપોરીઓનું ચેકિંગ કરવામાં આવશે. એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા નશીલા પદાર્થોના ગુનાઓ સાથે સંકળાયેલા શખ્સો પર નજર રાખવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા પણ સતત વોચ રાખવામાં આવશે.
નવરાત્રિ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની પોલીસ મદદની જરૂર પડે તો તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઈન નંબર 112 અથવા જામનગર પોલીસ કંટ્રોલ રૂમના નંબર 0288-2550200 તથા 6359627800 ઉપર સંપર્ક કરવા જિલ્લા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


