જામનગર શહેરના નૂરી ચોકડી નજીક ઇદ્રસપીરની દરગાહ પાસે મોડી રાત્રે બનેલી ઘટનામાં અફઝલ રહીમભાઈ ચાવડાનું મોત નીપજતાં ચકચાર મચી ગઈ છે. શરૂઆતમાં અકસ્માતની ઘટના જણાતી આ ઘટનામાં હવે અગાઉના ઝઘડાની અદાવતમાં યુવાનની હત્યા કરી સમગ્ર બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. થાર ગાડીથી શ20 કારને ટક્કર મારવામાં આવતાં કાર રસ્તા પર પાર્ક કરેલી બસ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં અફઝલનું મોત થયું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, અફઝલ રહીમભાઈ ચાવડા અન્ય ત્રણ મિત્રો સાથે શ20 કારમાં સવાર થઈ કલ્યાણ ચોક તરફ જઈ રહ્યા હતા. દરમિયાન નૂરી ચોકડી નજીક ઇદ્રસપીરની દરગાહ પાસે થાર ગાડી દ્વારા તેમની કારને ટક્કર મારવામાં આવી હતી. ટક્કરના કારણે શ20 કાર રસ્તા પર પાર્ક કરેલી બસ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં અફઝલ રહીમભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ યુવાનોને ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર બનાવમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવત મુખ્ય કારણ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આશરે દસ દિવસ પહેલાં ગાડી સાઈડમાં લેવા બાબતે ફરિયાદી પક્ષ અને આરોપીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ વિવાદ બાદ હાલની ઘટના બની હોવાનું ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે. થાર ગાડી અને મોટરસાઇકલ દ્વારા પીછો કરવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
View this post on Instagram
પરિવારજનોની રજૂઆત મુજબ, અગાઉ ગુલાબનગર વિસ્તારમાં આવેલી હોટલ પાસે વાહનોમાં તોડફોડની ઘટના બની હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હોવાની વિગતો પણ સામે આવી છે. જૂના ઝઘડા કારણે યુવાનની હત્યા કરી બનાવને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદને પગલે પોલીસ તપાસ શરૂ કરી છે.
આ બનાવમાં હાજી આયુબ ખફી, ઈમ્તિયાઝ ઈકબાલ ખફી અને અન્ય એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં અગાઉની અદાવત, થાર ગાડીથી કારને ટક્કર મારવા અને પીછો કરવાના બનાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મૃતક અફઝલના ભાઈ અબ્દુલ ભાઈ અમીરાણીએ સમગ્ર ઘટનાને લઈને પોતાની રજૂઆત કરી છે. અગાઉના ઝઘડા, વાહનોમાં થયેલી તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકીઓ સહિતના મુદ્દાઓની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. પરિવારનું કહેવું છે કે અગાઉના વિવાદની કડીઓને ધ્યાનમાં રાખીને સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ, જેથી બનાવ પાછળની હકીકત બહાર આવી શકે.
નૂરી ચોકડી નજીક બનેલી આ ઘટનાને લઈને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ છે. અગાઉના ઝઘડાની અદાવત, ઘટનાની પરિસ્થિતિ અને હત્યા કરીને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસ અંગે ફરિયાદમાં રજૂ થયેલી વિગતોને આધારે પોલીસ તપાસ આગળ વધી રહી છે.


