જામનગર શહેરના સેટેલાઇટ પાર્કમાં રહેતાં પ્રૌઢનો મોબાઇલ ફોન હેન્ગ કરી નેટ બેન્કિંગ દ્વારા પ્રૌઢના ખાતામાંથી રૂા. 4,85,458ની છેતરપિંડી આચરનાર અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના સેટેલાઇટ પાર્ક, શેરી નંબર એ-1માં, મકાન નંબર 20/6માં રહેતાં નરશીભાઇ નરોત્તમભાઇ મોંધરિયા (ઉ.વ.53) નામના નોકરી કરતાં પ્રૌઢનો મોબાઇલ ફોન ગત્ તા. 21 સપ્ટેમ્બરના બપોરે 01:43 થી સાંજના 05:00 વાગ્યા સુધીના સમય દરમયાન અજાણ્યા શખ્સે હેન્ગ કરી નાખ્યો હતો અને સવા પાંચ કલાકના સમય દરમ્યાન ગઠિયાએ પ્રૌઢના મોબાઇલ દ્વારા નેટ બેન્કિંગનો ડેટા એક્સેસ કરી ખાતામાંથી રૂા. 4,85,458ની ઉચાપાત કરી છેતરપિંડી આચરીહ તી. આ છેતરપિંડી અંગેની જાણ થતાં પ્રૌઢે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ વી. એમ. ડોડિયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


