દિવાળીના આગમન સાથે જ દરેક વ્યક્તિ પોતાના ઘરને શણગારવા અને ચમકાવવા માટે તૈયારીઓ શરૂ કરી દે છે. નવા પડદા ખરીદવામાં આવે છે અને ઘરની સાફ-સફાઈ થાય છે. પરંતુ, ક્યારેક ઘરની એક દીવાલ કે જેના પર ભેજ લાગી ગયો હોય તે આખા ઘરનો દેખાવ બગાડી નાખે છે. ઘણીવાર સંપૂર્ણ સફાઈ કર્યા પછી પણ ઘર જૂનું અને ગંદુ દેખાય છે.
આવી સ્થિતિમાં લોકો દીવાલોને ફરીથી રંગાવવા વિશે વિચારે છે, જે ખૂબ ખર્ચાળ સાબિત થઈ શકે છે અને દિવાળી નજીક હોઈ સમય પણ ઓછો હોય તો દિવાળી પહેલાં ઓછા ખર્ચે ઘરની ભીની દીવાલોને ઢાંકવા માંગતા હોવ, તો કેટલીક પદ્ધતિઓ અને સજાવટ દ્વારા રંગ કર્યા વિના ડાઘ છુપાવી શકાય છે (નોંધ: આ પદ્ધતિઓ માત્ર અસ્થાયી રૂપે ડાઘ ઢાંકે છે, પરંતુ લાંબા ગાળે ભેજના મૂળ કારણને ઓળખીને તેને ઠીક કરવું પણ જરૂરી છે.)
દિવાળી પર દીવાલના ડાઘ છુપાવવા માટેના શ્રેષ્ઠ ઉપાયો
વોલપેપર :
જો રૂમની દીવાલો પર ડાઘ અથવા ભેજની પોપડી ઉખડી ગઈ હોય તો તમે વોલપેપર લગાવીને તેને નવો દેખાવ આપી શકો છો. જેમાં ફ્લોરલ, માર્બલ, ઈંટ અથવા લાકડાની ડિઝાઈન પસંદ કરી શકાય. જો કે, દીવાલ ભીની હોય તો સીધું વોલપેપર ન લગાવવું, કારણ કે તે ભેજને ફસાવીને ફૂગ વધારવાનું કારણ બની શકે છે; તેથી પહેલાં દીવાલ સારી રીતે સૂકવી લેવી.
દીવાલને પેઇન્ટિંગ્સ અથવા ફોટો ફ્રેમથી સજાવો:
દીવાલના કોઈ ચોક્કસ ભાગ પર ભીનાશના ચિહ્નો હોય, તો આખી દીવાલ રંગવાની જરૂર નથી. તેના બદલે મોટી પેઇન્ટિંગ અથવા કુટુંબિક ફોટાઓની ફ્રેમ લગાવીને રૂમની શોભા વધારી શકાય છે. ફેમ્સને દીવાલથી થોડી દૂર રાખવી અને સમયાંતરે પાછળ ભેજ કે ફૂગ માટે તપાસ કરતા રહેવું.
ઈન્ડોર પ્લાન્ટ્સનો ઉપયોગ કરો:

જો તમને ઘરમાં છોડ રાખવા ગમે છે, તો ભીની દીવાલ સામે મોટા કુંડાવાળા ઈન્ડોર પ્લાન્ટ્સ (જેમ કે અરેકા પામ, સ્નેક પ્લાન્ટ કે મોન્સ્ટેરા) મૂકી શકાય. બે-ત્રણ અલગ આકારના કુંડા એકસાથે મૂકીને લીલો ખૂણો બનાવી શકાય છે. જો કે, કુંડાને સીધા દીવાલ સાથે ન રાખતા હવાની અવરજવર માટે થોડી જગ્યા છોડવી.
દીવાલ પેનલ્સ લગાવો:

દીવાલને સ્ટાઇલિશ બનાવવા માટે સુશોભન પીવીસી (PVC) કે અન્ય સામગ્રીમાંથી બનેલી દીવાલ પેનલ્સ લગાવી શકાય. તે વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. ધ્યાનમાં રાખો કે પેનલ્સ લગાવવાથી ભીનાશની સમસ્યા હલ થતી નથી, અંદર ફૂગ રહી શકે છે, તેથી પહેલાં ભેજનું કારણ શોધીને ઠીક કરવું જરૂરી છે.
દીવાલોને પડદાથી સજાવો:

જો રૂમને સસ્તામાં સજાવવા માંગતા હોવ, તો દીવાલની સામે સ્ટેન્ડ પર એક સુંદર પડદો અથવા ફેબ્રિક લટકાવી શકાય. રૂમની સજાવટ સાથે મેળા ખાતું ફેબ્રિક પસંદ કરવું. ભીની કે ધારવાળી દીવાલો પર સીધું કાપડ લગાવવાનું ટાળવું જેથી કાપડ ભીનું કે દુર્ગંધયુક્ત ન થાય.
લાઇટિંગ અને સજાવટ સાથે સુંદર ખૂણો બનાવો:

દીવાલની સામે એક નાનો સુશોભન ખૂણો બનાવી શકાય, જ્યાં નાનું ટેબલ મૂકીને દીવા, ફાનસ, ફૂલોના ગુલદસ્તા અથવા સુંદર વસ્તુઓ ગોઠવી શકાય. તેની આસપાસ ફેરી લાઈટ્સ લટકાવવાથી ધ્યાન દીવાલ કરતાં સુંદર સજાવટ તરફ વધુ આકર્ષિત થશે.
ઘરની દીવાલ પર ભેજ હોવો એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેના કારણે દિવાળીના ઉત્સાહમાં કોઈ ઘટાડો થવો જોઈએ નહીં. યોગ્ય પ્લાનિંગ, થોડી સર્જનાત્મકતા અને આ સ્માર્ટ ડેકોરેશન આઈડિયાઝની મદદથી તમે કોઈપણ વધારાના ખર્ચ કે મોટા પેઇન્ટિંગ વગર તમારા ઘરને આકર્ષક અને તહેવાર માટે તૈયાર કરી શકો છો. આ દિવાળી પર તમારા ઘરનો ખૂણે-ખૂણો જગમગી ઉઠે તેવી શુભેચ્છાઓ!
[અસ્વીકરણ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ઘરગથ્થુ સફાઈના ઉપાયો અને જાહેરમાં ઉપલબ્ધ જાણકારી પર આધારિત છે.ચોક્કસ પરિણામો માટે કે કોઈપણ નુકસાન, માટે ખબર ગુજરાત જવાબદાર રહેશે નહીં.]



