જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતાં પ્રૌઢનો દિવ્યાંગ પુત્ર મંદિરે આરતી કરવા ગયો હતો ત્યારે ગામના જ નરાધમ શખ્સે દિવ્યાંગને બળજબરીથી લઇ જઇ અટકાયત કરી ફડાકો ઝિંકી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામના વતની અને હાલ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ઉપર રહેતાં પ્રૌઢ ખેડૂતનો 28 વર્ષનો દિવ્યાંગ પુત્ર ગત્ તા. 29ના રોજ સાંજના સમયે ગામમાં આવેલા શિવ મંદિરમાં આરતી કરવા ગયો હતો. ત્યારે ડેરા પાસેથી કારૂ અરજણ સગારકા (રહે. જામવાડી, તા. જામજોધપુર) નામના નરાધમ શખ્સે દિવ્યાંગ યુવાનનો હાથ પકડી બળજબરીથી ખેંચીને પડતર છતવાળા મકાનમાં લઇ ગયો હતો. જ્યાં ફડાકો ઝિંકી દિવ્યાંગ સાથે નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્યારબાદ આ બાબતની કોઇને જાણ કરશે તો પતાવી દેવાની ધમકી આપી હતી. નરાધમે આચરેલા કૃત્ય અંગેની જાણ થતાં દિવ્યાંગના પિતા દ્વારા જામજોધપુર પોલીસમાં કારૂ અરજણ સગારકા નામના નરાધમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે એઅસઆઇ આર. એ. વાઘ તથા સ્ટાફે કારૂ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ આદરી હતી.


