જામનગરમાં મહેર સમાજની વાડી ખાતે મહેર સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં મહેર સમાજની વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ અને વિશિષ્ટ વેશભૂષાનાં દર્શન થયા હતા. ખાસ કરીને પરંપરાગત દાગીના પહેરીને રાસ-ગરબે રમતી મહિલાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
મહેર સમાજમાં નવરાત્રીની ઉજવણી માત્ર રાસ-ગરબા પૂરતી સીમિત નથી, પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનો પણ એક અનોખો પ્રયાસ છે. પાંચમા અને સાતમા નોરતે પરંપરાગત વેશભૂષા તથા ઘરેણાં ધારણ કરીને ગરબા રમવાની વિશેષ પરંપરા આજે પણ જળવાઈ રહી છે.
જામનગર મહેર સમાજ દ્વારા ખાસ કરીને પાંચમા અને સાતમા નોરતે તેઓ પરંપરાગત વસ્ત્રો અને દાગીના પહેરીને રાસ-ગરબામાં ભાગ લે છે. આ પરંપરા તેમના માટે માત્ર ઉત્સવનો ભાગ નથી, પરંતુ સમાજની સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવાની ભાવના સાથે પણ જોડાયેલી છે.
View this post on Instagram
મહેર સમાજની પરંપરાગત વેશભૂષાની સાથે મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા વિશિષ્ટ દાગીના પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. મહિલાઓ વિવિધ પરંપરાગત ઘરેણાં ધારણ કરે છે. તેમાં વેડલા, કાટલી, પાવલા કાટલી અને ‘ઝૂમણું’ જેવા વિશિષ્ટ દાગીનાનો સમાવેશ થાય છે.
આ દાગીનામાં ‘ઝૂમણું’ વિશેષ મહત્ત્વ ધરાવે છે. પરંપરા અનુસાર, તેનું વજન ૫૦ તોલા સુધીનું હોઈ શકે છે. આ ભારે અને પરંપરાગત ઘરેણાં મહેર સમાજની આગવી ઓળખ તથા સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવે છે.
આધુનિક સમયની સાથે પહેરવેશ અને ઉજવણીની રીતોમાં બદલાવ આવી રહ્યો છે, ત્યારે મહેર સમાજ દ્વારા પરંપરાગત વસ્ત્રો અને ઘરેણાં સાથે રાસ-ગરબાની પરંપરા જાળવી રાખવી સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
જામનગરની મહેર સમાજની વાડી ખાતે યોજાયેલા આ નવરાત્રી મહોત્સવમાં પરંપરાગત વેશભૂષા, દાગીના અને રાસ-ગરબાના સમન્વયથી મહેર સમાજની સમૃદ્ધ સંસ્કૃતિની સુંદર ઝાંખી જોવા મળી હતી. આ ઉજવણીએ નવરાત્રીના રંગ સાથે સમાજના પરંપરાગત વારસાને પણ ઉજાગર કર્યો હતો.


