ભાણવડ નજીક ગુંદા ગામે ચાલતા જુગારના અખાડામાંથી પોલીસે રેઇડ દરમ્યાન નવ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રોકડ, મોબાઇલ ફોન, મોટરસાયકલ સહિત કુલ રૂા. 1,78,000નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ ભાણવડથી આશરે 22 કિલોમીટર દૂર ગુંદા ગામે પાટી વાડી સીમ વિસ્તારમાં રહેતા દિવ્યેશ જેન્તીભાઈ પાડલિયા નામના શખ્સ દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે પોતાની વાડીએ આવેલા મકાનમાં જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન દિવ્યેશ જેન્તીભાઈ પાડલીયા, અસલમ બોદુ સમા, કાના ભીખા ગાગીયા, વિપુલ વીરજી મકવાણા, ઈકબાલ હાજી હિંગોજા, અકરમ કાસમ ઘુઘા, ઇમરાન આમદ ચાવડા, જગદીશ કાંતિલાલ જોષી અને જયેશ દેવા ગાગીયા નામના નવ શખ્સોને દબોચી લીધા હતા. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 1,21,300ની રોકડ, રૂપિયા 47,000ની કિંમતના 7 મોબાઈલ ફોન અને રૂ. 10,000ની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,78,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


