જામજોધપુરમાં ગાડી પાર્ક કરવાની બાબતે અવારનવાર ના પાડવા છતાં ગાડી પાર્ક કરાતા બોલાચાલી અને ઝઘડા બાદ ઘરમેળે સમાધાન થયા પછી ચાર શખ્સોએ યુવાન તથા તેના પુત્ર અને ભાઇ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી કારના કાચ તોડી નાખ્યા હતા. જ્યારે સામાપક્ષે લોખંડના પાઇપ તથા છરી વડે હુમલો કરી કારના કાચ તોડી નાખ્યાની સામસામી ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સામસામા હુમલાની મળતી વિગત મુજબ જામજોધપુર ગામમાં ટેલિફોન એક્સચેન્જ પાસે પંચવટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં કિશોરભાઇ ભારાભાઇ જોગાણી (ઉ.વ.39) નામના યુવાનના પ્લોટના દરવાજા પાસે વારંવાર ગાડી નહીં રાખવાનું જણાવ્યા છતાં દેવુ વાલા જામ નામના શખ્સે ફરીથી રાત્રિના ગાડી પાર્ક કરી હતી. આ બાબતે બોલાચાલી અને ઝપાઝપી બાદ ઘરમેળે સમાધાન થયું હતું. ત્યારબાદ ગત્ તા. 17ના મધ્યરાત્રિના સમયે દેવુ વાલા જામ, દીપુ વાલા જામ, રાજ દેવુ અને સાજણ જામ સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી કિશોરે ગાડી હટાવી લેવાનું કહેતાં સમજાવવા ગયેલા યુવાન ઉપર લોખંડના પાઇપ અને તલવાર વડે હુમલો કરી કિશોરભાઇ તથા તેના પુત્ર મેહુલ તથા ભાઇ કાનો ઉર્ફે વિનુને ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેમજ યુવાનની કારના કાચ તોડી નાખી નુકસાન કર્યું હતું. સામાપક્ષે કિશોર ભારા જોગાણી, મેહુલ કિશોર જોગાણી અને કાનો ઉર્ફે વિનુ ભારા જોગાણી નામના પિતા-પુત્ર અને ભાઇ સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી તલવાર, છરી અને લોખંડના પાઇપ વડે ગગુ ઉર્ફે દીપુ લાલા જામ નામના યુવાન ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ કારના કાચ તોડી નાખી પતાવી દેવાની ધમકી આપી હતી.
કાર રાખવાની ના પાડવાની બાબતે બે પરિવાર વચ્ચે થયેલી સશસ્ત્ર મારામારીમાં 6 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ એમ. એન. શેખ તથા સ્ટાફે કિશોર જોગાણીની ચાર શખ્સો વિરૂદ્ધ અને ગગુ ઉર્ફે દીપુની ત્રણ શખ્સો વિરૂદ્ધ સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


