કાલાવડ-રાજકોટ હાઈ-વે ઉપર આણંદપર ગામ નજીક મોટરકાર ચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવી મોટરસાઈકલને ઠોકર મારતા બાઈકમાં સવાર યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતાં માનશીબેન મનોજભાઈ માજીએ જીજે-05-સીઆર-0072 નંબરના કારચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર જીજે-05-સીઆર-0072 નંબરના કારચાલકે પોતાની મોટરકાર પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી જીજે-03-જેએફ-9749 નંબરના મોટરસાઈકલને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાઈકલમાં સવાર મનોજભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


