જામનગરમાં લોનના બહાને દસ્તાવેજો અને મોબાઇલ સીમ કાર્ડ મેળવી લોકોની જાણ બહાર કર્ણાટક બેંકમાં ખાતા ખોલાવી રૂા.દોઢ કરોડ જેટલા સાયબર ફ્રોડના નાણાંના વ્યવહારો કરાયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના અસલમ દાઉદભાઇ ભગાડએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તે તથા તેમના ભાઇ અક્રમ ભગાડ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી રેશમાં હોટલમાં મજૂરી કામ કરતા હતા. તે દરમિયાન લોનની જરૂરીયાત હોવાથી હોટલના માલીક અસગર અબ્દુલ ચમડીયાને વાત કરતા તેમણે તેમના મિત્ર ફેજલ ખફીના ઓળખીતા કર્ણાટક બેંકના કર્મચારી રઘુભાઇ મારફતે લોન કરાવી આપવાની વાત કરી હતી.
ત્યારબાદ ફરીયાદી, તેમના ભાઇ અક્રમ અને ભાભી મીનાઝબેન અસગર સાથે કર્ણાટક બેંકની કુબેર એવન્યુ શાખામાં ગયા હતા અને લોન માટે જરૂરી દસ્તાવેજો આપ્યા હતા. બેંક કર્મચારી રઘુભાઇએ અલગ અલગ ફોર્મમાં તેમની સહીઓ પણ કરાવી હતી. ત્યારબાદ બંને ભાઇઓના નામે મોબાઇલ સીમ કાર્ડ કઢાવવાની વાત કરી સીમ કાર્ડ પણ મેળવી લેવામાં આવ્યા હતાં. થોડા દિવસ બાદ અસગરે ફોન કરીને તેમનો સીબિલ સ્કોર ખરાબ હોવાથી લોન નહીં થાય તેમ જણાવ્યું હતું. પરંતુ ફેબ્રુઆરીમાં છતીસગઢ રાજ્યની પોલીસ ફરિયાદી તેમના ભાઇ અક્રમને ગુનાના કામે લઇ જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
ફરિયાદી યુવાન તેના ભાઇ તથા ભાભીના દસ્તાવેજનો ઉપયોગ કરી તેમની જાણ બહાર બેંક ખાતા ખોલી ત્રણેય ખાતામાં આશરે રૂા.1,50,98,000ના સાયબર ફ્રોડના નાણાંના વ્યવહારો કરાયા હતાં. તેથી આરોપીઓ અસગર અબ્દુલ ચમડીયા, ફેજલ ખફી તથા કર્ણાટક બેંકના કર્મચારી રઘુભાઇ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.


