રસોડામાં ગેસનો ચૂલો એ દૈનિક જીવનનું અત્યંત મહત્વપૂર્ણ સાધન છે. યોગ્ય રીતે ચાલતો ચૂલો માત્ર સમય અને ઈંધણની બચત નથી કરતો, પરંતુ રસોડાની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે. ઘણીવાર ગેસમાં પીળી કે નારંગી ફ્લેમ આવવી અથવા પ્રેશર ધીમું પડી જવાની સમસ્યા સર્જાય છે. આ માત્ર ગેસનો બગાડ નથી પરંતુ અકસ્માત અને સ્વાસ્થ્ય સંબંધિત જોખમનો પણ સંકેત છે. ત્યારે ચાલો ગેસ સફાઈની કેટલીક સરળ ટીપ્સ જાણીએ…
વાદળી અને પીળી ફ્લેમ પાછળનું વિજ્ઞાન
- વાદળી ફ્લેમ (સંપૂર્ણ દહન): જ્યારે ઈંધણ (ગેસ) અને ઓક્સિજનનું સાચું મિશ્રણ થાય છે ત્યારે ફ્લેમ વાદળી બળે છે. આ સ્થિતિમાં બળતણ પૂરેપૂરું વપરાય છે અને માત્ર કાર્બન ડાઈઓક્સાઈડ તથા વરાળ બને છે, જે હાનિકારક નથી.
- પીળી કે નારંગી ફ્લેમ (અપૂર્ણ દહન): ગેસ અને ઓક્સિજનનું સંતુલન બગડવાથી દહન પ્રક્રિયા અધૂરી રહે છે. અણબળેલું કાર્બન હવામાં ભળે છે, જેનાથી વાસણના તળિયે કાળાશ જામવા લાગે છે અને ગેસનો ભારે વ્યય થાય છે.
ફ્લેમની ઓળખ
- બર્નરના બધા કાણાંમાંથી એકસરખી, સ્થિર અને ઘાટા વાદળી રંગની જ્વાળા નીકળવી જોઈએ.
- ફ્લેમ બર્નર છોડીને ઉપર ન ઊઠવી જોઈએ અને પવન ન હોય ત્યારે ટિમટિમાવવી ન જોઈએ.
બર્નરની સફાઈ કરવાની અસરકારક રીતો
- ઈનો અને લીંબુનો પ્રયોગ: ગરમ પાણીમાં 1 ચમચી ઈનો અને 1 લીંબુનો રસ ઉમેરી બર્નરને 15-20 મિનિટ પલાળી રાખો. ત્યારબાદ જૂના ટૂથબ્રશથી ઘસીને જામી ગયેલી ચિકાશ સાફ કરો.
- વિનેગર અને બેકિંગ સોડા: બર્નર પર 1 ચમચી બેકિંગ સોડા છાંટી ઉપર વિનેગર રેડો. 15 મિનિટ પલાળી રાખ્યા બાદ બ્રશ વડે ઘસીને સાફ કરો.
- છિદ્રો ખોલવા: સફાઈ કર્યા પછી બર્નરના દરેક કાણાંમાંથી કચરો નીકળ્યો છે કે નહીં તે ચકાસવા સેફ્ટી પિન કે પાતળા વાયરનો ઉપયોગ કરવો.
- સૂકવ્યા બાદ બેસાડવું: બર્નરને કોરું કર્યા પછી જ ચૂલા પર યોગ્ય ખાંચામાં સેટ કરવું, જેથી ગેસ સળગવામાં મુશ્કેલી ન પડે.
ગેસ બચાવવાની ઉપયોગી ટીપ્સ
- વાસણ ઢાંકીને રસોઈ કરવી: વરાળ અંદર રહેવાથી રસોઈ ઝડપથી પાકે છે અને 20 થી 30% ગેસ બચે છે.
- ભીના વાસણ ન મૂકવા: વાસણને લૂછીને ચૂલા પર મૂકવું જેથી ભેજ સુકવવામાં વધારાનો ગેસ ન વેડફાય.
- મધ્યમ આંચ રાખવી: વાસણના તળિયાથી બહાર ફ્લેમ નીકળે તે રીતે મોટો ચૂલો ન ચલાવવો.
- પૂર્વ તૈયારી: શાક સમારવું કે લોટ બાંધવા જેવી પૂર્વ તૈયારીઓ પૂરી થયા પછી જ ચૂલો ચાલુ કરવો.
ગેસના વપરાશ દરમિયાન રાખવાની સાવચેતીઓ
- લીકેજની તપાસ: જો રસોડામાં ગેસની ગંધ આવે તો તુરંત જ સિલિન્ડરનો રેગ્યુલેટર વાલ્વ બંધ કરી દેવો.
- ઈલેક્ટ્રિક સ્વિચ ન અડવી: લીકેજ સમયે ઘરમાં કોઈપણ લાઈટ કે ફેનની સ્વિચ ચાલુ કે બંધ કરવી નહીં અને દીવાસળી કે લાઈટર સળગાવવું નહીં.
- હવાઉજાસ : રસોડાની બારીઓ અને દરવાજા તુરંત ખોલી નાખવા જેથી ગેસ બહાર નીકળી જાય.
- બર્નર સરખું બેસાડવું: સફાઈ કર્યા પછી બર્નર તેની યોગ્ય જગ્યાએ ખાંચામાં સેટ થયું છે કે નહીં તે ચકાસીને જ સળગાવવું.
ગેસ ચૂલાની સર્વિસ કેટલા સમયે કરાવવી?
- નિયમિત હોમ સર્વિસ : ચૂલાના બર્નર, એર વાલ્વ અને પાઈપની સામાન્ય સફાઈ દર 6 મહિને ઘરે અથવા ટેકનિશિયન પાસે કરાવવી.
- પ્રોફેશનલ સર્વિસ : આખા ગેસ સ્ટવ, નોબ, સિલિન્ડર વોશર અને નોઝલનું ઊંડાણપૂર્વકનું ચેકિંગ દર વર્ષે ઓથોરાઈઝ્ડ ટેકનિશિયન પાસે કરાવવું.
- સુરક્ષા પાઈપ બદલવો: સુરક્ષાના ધોરણો મુજબ ગેસની રબર પાઈપ દર 2 થી 3 વર્ષે ફરજિયાતપણે બદલી નાખવી.
ગેસ સ્ટવની નિયમિત કાળજી, સમયસર સફાઈ અને સુરક્ષાના નિયમોનું પાલન ઈંધણ અને પૈસા બંનેની બચત કરે છે. જો ઘરેલું સફાઈ પછી પણ પીળી ફ્લેમ કે ગેસ લીકેજની તકલીફ રહે, તો ઘરગથ્થુ અખતરા કરવાને બદલે તુરંત જ નિષ્ણાત ટેકનિશિયનનો સંપર્ક કરવો.
(અસ્વીકરણ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ઘરગથ્થુ સફાઈના ઉપાયો અને જાહેરમાં ઉપલબ્ધ જાણકારી પર આધારિત છે.ચોક્કસ પરિણામો માટે કે કોઈપણ નુકસાન, માટે ખબર ગુજરાત જવાબદાર રહેશે નહીં.)


