ભારતીય આહાર પદ્ધતિમાં દરેક રિવાજ પાછળ ચોક્કસ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણ રહેલું છે. ભોજનના અંતે મુખવાસ આપવાની પ્રથા એ જ આયુર્વેદિક જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મુખવાસ એ શબ્દ ‘મુખ’ (મોં) અને ‘વાસ’ (સુગંધ) પરથી બન્યો છે, પરંતુ તેનું મુખ્ય કામ ભોજનને સુપાચ્ય બનાવવાનું અને પાચનતંત્રને સક્રિય કરવાનું છે. ત્યારે ચાલો જાણીએ મુખવાસ કેમ જરૂરી છે ? કયો મુખવાસ તમારા માટે શ્રેષ્ઠ જાણીએ…
મુખવાસ શા માટે ખાવો જોઈએ?
- પાચનમાં મદદરૂપ: વરિયાળી, અજમો અને જીરૂ જેવા મસાલા પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ વધારે છે, જેથી ખોરાક ઝડપથી પચે છે.
- ગેસ અને એસિડિટીમાંથી રાહત: ભોજન પછી થતી પેટની ભારેતા, અફારો કે એસિડિટીમાં મુખવાસ ત્વરિત રાહત આપે છે.
- મુખની દુર્ગંધ દૂર કરે છે: ભોજનમાં વપરાયેલા લસણ, ડુંગળી કે મસાલાની ગંધ દૂર કરી મોંમાં તાજગી લાવે છે.
- દાંત અને પેઢા માટે ગુણકારી: તલ અને ધાણા દાળ જેવી સામગ્રી ચાવવાથી લાળ વધુ બને છે, જે મોંના બેક્ટેરિયાને દૂર રાખે છે.
કેવો મુખવાસ ખાવો?
- પ્રાકૃતિક અને સાદો: કુદરતી શેકેલી વરિયાળી, ધાણા દાળ, સફેદ કે કાળા તલ, અજમો અને જેષ્ઠીમધ (જેઠીમધ) માંથી બનેલો મુખવાસ શ્રેષ્ઠ છે.
- કૃત્રિમ રંગ વગરનો: બજારમાં મળતા ચમકદાર કે કેમિકલયુક્ત રંગો વાળા મુખવાસથી દૂર રહેવું.
- ઓછી સાકર વાળો: સુગર-કોટેડ વરિયાળી કે મીઠી સોપારીને બદલે સાદા શેકેલા મસાલા પસંદ કરવા.
ઋતુ અનુસાર મુખવાસ
- શિયાળો: તલ, અજમો, સુવાદાણા, જીરૂ અને સુંઠ ઉમેરેલો મુખવાસ ખાવો. તલ અને અજમાની તાસીર ગરમ હોવાથી તે શરીરને હૂંફ આપે છે.
- ઉનાળો: લીલી વરિયાળી, ધાણા દાળ, મિશ્રી (સાકર), જેઠીમધ અને ગુલાબની પાંદડીઓ (ગુલકંદ) વાળો મુખવાસ ઉત્તમ. તેની તાસીર ઠંડી હોવાથી પેટમાં બળતરા થતી અટકાવે છે.
- ચોમાસું: અજમો, શેકેલું જીરૂ અને સંચળ (કાળું મીઠું) ભેળવેલો મુખવાસ લેવો, કારણ કે ચોમાસામાં પાચનશક્તિ મંદ હોય છે.
કયો મુખવાસ ન ખાવો?
- સોપારીયુક્ત કે તંબાકુવાળો મુખવાસ: સોપારી અને કેમિકલવાળા મસાલા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
- અતિશય મીઠો કે કલરવાળો મુખવાસ: વધારાની ખાંડ અને કૃત્રિમ રંગો પાચન સુધારવાને બદલે બગાડે છે.
કોણે કયો મુખવાસ ખાવો?
- પાચનની તકલીફ કે ગેસ વાળા લોકો: અજમો, શેકેલું જીરૂ અને સંચળવાળો મુખવાસ લેવો.
- એસિડિટી અને પેટમાં બળતરા વાળા લોકો: લીલી વરિયાળી, ધાણા દાળ અને સાકરનું મિશ્રણ ખાવું.
- ઉધરસ કે ગળાની ખરાશ વાળા લોકો: જેઠીમધનો પાવડર કે મરી-હળદર ઉમેરેલો મુખવાસ લેવો.
તંદુરસ્તી અને સ્વાદ બંને જાળવી રાખે તેવા કેટલાક શ્રેષ્ઠ મુખવાસ
-
પંચરત્ન શાહી મુખવાસ (સર્વગુણ સંપન્ન)
સામગ્રી: લીલી વરિયાળી, ધાણા દાળ, સફેદ તલ, કાળા તલ અને જેઠીમધ.
મહત્વ: આ એક ઓલ-રાઉન્ડર મુખવાસ છે જે પાચન સુધારે છે અને મોંમાં કુદરતી તાજગી લાવે છે. -
ઠંડક આપતો ગુલાબ-ગુલકંદ મુખવાસ (ઉનાળા માટે ઉત્તમ)
સામગ્રી: વરિયાળી, ધાણા દાળ, સુકાવેલી ગુલાબની પાંદડીઓ, જેઠીમધ અને થોડી સાકર.
મહત્વ: પેટમાં બળતરા કે એસિડિટી થતી હોય તેના માટે આ બેસ્ટ છે, કારણ કે તેની તાસીર ઠંડી હોય છે. -
પાચક અજમા-તલનો મુખવાસ (શિયાળા અને ચોમાસા માટે)
સામગ્રી: શેકેલો અજમો, સફેદ તલ, શેકેલું જીરૂ, સંચળ અને લીંબુનો રસ.
મહત્વ: ભોજન પછી પેટમાં ગેસ, ભારેપણું કે અફારો રહેતો હોય ત્યારે આ મુખવાસ ખૂબ જ ગુણકારી સાબિત થાય છે.
-
મલ્ટી-સીડ્સ હેલ્ધી મુખવાસ (આધુનિક અને પૌષ્ટિક)
સામગ્રી: સૂર્યમુખીના બી (Sunflower seeds), કોળાના બી (Pumpkin seeds), અળસી (Flax seeds), તલ અને વરિયાળી.
મહત્વ: આમાં પ્રોટીન, ઓમેગા-૩ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે વજન ઉતારવામાં અને એકંદર હેલ્થ માટે શ્રેષ્ઠ છે.
-
જેઠીમધ-સુવાદાણા મુખવાસ (ગળા અને પાચન માટે)
સામગ્રી: શેકેલા સુવાદાણા, જેઠીમધનો પાવડર, વરિયાળી અને હળદર.
મહત્વ: ગળાની ખરાશ, ઉધરસ કે કફની સમસ્યામાં રાહત આપે છે અને પાચન ઉત્સેચકો વધારે છે.
કોણે કયો મુખવાસ ના ખાવો?
- હાઈ બ્લડ પ્રેશર (B.P.) ના દર્દીઓ: વધુ પડતું નમક કે સંચળ ધરાવતો મુખવાસ ન ખાવો.
- ડાયાબિટીસના દર્દીઓ: સાકર, મીઠી સોપારી કે સુગર-કોટેડ વરિયાળી ન ખાવી.
- સગર્ભા સ્ત્રીઓ: અજમો કે વધુ ગરમ તાસીર ધરાવતા મસાલા વાળા મુખવાસનું અતિશય સેવન ટાળવું.
મુખવાસ એ માત્ર મોંનો સ્વાદ બદલવાનો વિકલ્પ નથી પરંતુ આરોગ્ય જાળવવાની એક સરળ અને અસરકારક ભારતીય પદ્ધતિ છે. જો કેમિકલ અને રંગો વગરનો, ઘરે બનાવેલો કુદરતી મુખવાસ યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો તે શરીર માટે ઔષધ સમાન કામ કરે છે.
(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)
View this post on Instagram


