જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહેલા ત્રણ યુવકોને ઓખા-મઢી ટોલનાકાથી આશરે 500 મીટર દુર અકસ્માત નડ્યો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, દ્વારકા નજીક આવેલા ટોલનાકા માર્ગ પર એક કિયા કાર બંધ હાલતમાં ઊભી હતી તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલું બાઈક કારની પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ અંદર ઘૂસી ગયું હતું. આ અકસ્માતના પગલે બાઈક પર સવાર ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાંથી બે યુવકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણ થતાં ઓખામઢી ટોલનાકાના મેનેજર પબુભા કજરા સહિતની ટોલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને મદદ માટે ત્વરિત કામગીરી હાથ ધરી હતી. ટોલ ટીમ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી ત્રણેય ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સમયસર મળેલી મદદના કારણે ઇજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સારવાર મળી શકી હતી.
ત્રણેય યુવકો જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા દર્શન કરવા આવ્યા હતા અને દર્શન પૂર્ણ કર્યા બાદ પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા બે યુવકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગેની જાણ થતાં દ્વારકાના પી.આઈ. એમ.જી. જાડેજા, પી.એસ.આઈ. પી.કે. ડાંગર તેમજ તેમની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હતી.


