જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રાવણી લોકમેળાનો આજે સવારે વિધિવત્ રીતે પ્રારંભ થયો હતો. મેયર સહિતના પદાધિકારીઓ, કમિશરન સહિતના અધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવોએ મેળાનું ઉદ્ઘાટન કરી વિવિધ રાઇડો સાથે મેળાની મોજ માણી હતી. ગઇકાલે મશીન મનોરંજન રાઇડોને પરફોર્મન્સ લાયસન્સ મળતાં રાત્રિથી જ રાઇડો શરૂ થઇ હતી. શહેરીજનો પણ ઉમટયા હતા.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 01 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી આ લોકમેળાનું આયોજન છે. પરંતુ વિવિધ મશીન રાઇડોને પરફોર્મન્સ લાયસન્સ ન મળતાં તા. 01 થી લોકમેળાની મોટી રાઇડો શરૂ થઇ શકી ન હતી. ગઇકાલે રાત્રિના મશીન રાઇડોને પરફોર્મન્સ લાયસન્સ સહિતની પ્રક્રિયા પૂર્ણ થતાં રાઇડો શરૂ થઇ હતી અને મેળાના શ્રીગણેશ થઇ ચૂકયા હતાં. રમકડાં, ઇમિટેશન, સુશોભન, ખાણી-પીણી સહિતના સ્ટોલ, મનોરંજન રાઇડ ઉપરાંત હાથથી ચાલતી નાની રાઇડો સહિતના આકર્ષણો શ્રાવણી લોકમેળામાં જોવા મળશે. ચાલીસ જેટલા વિવિધ સ્ટોલ ઉપરાંત 12 જેટલાં ખાણી-પીણીના સ્ટોલ આ લોકમેળામાં રાખવામાં આવ્યા છે.
View this post on Instagram
આજે શિતળા સાતમના પાવન અવસરે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ સહિતના દ્વારા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, દંડક પ્રવીણાબેન રૂપડિયા, કમિશનર દીપેશ કેડિયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, કોર્પોરેટર રાજુભાઇ યાદવ, જામ્યુકોના અધિકારીઓ મુકેશભાઇ વરણવા સહિતના અધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ લોકમેળામાં લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. તેમજ મેળાની મધ્યમાં ઉભા કરાયેલા હંગામી ટેન્ટમાંથી સીસીટીવી કેમેરાનું મોનિટરીંગ કરવામાં આવશે. તેમજ પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ કાફલા દ્વારા દેખરેખ અને ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે. શ્રાવણી મેળા માટે જામ્યુકો દ્વારા રૂપિયા પાંચ કરોડનો વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાઇડ સંચાલકો દ્વારા પણ વીમો લેવામાં આવ્યો છે.


