લાલપુરના રાફુદડ ગામે રહેતાં પ્રૌઢ દંપતિ ઓસરીમાં સૂતા હોય પ્રૌઢાએ કાનમાં પહેરેલા સોનાના વેઢલાં બે શખ્સો કાનમાંથી ખેંચી લૂંટીને નાસી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી જઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં ધુનાવાળુ સીમ વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતાં સામતભાઇ એભાભાઇ ગાગિયા (ઉ.વ.55) નામના ખેડૂત તેમના પત્ની દુધીબેન સાથે ઓસરીમાં બે ખાટલા ઉપર બાજુ-બાજુમાં સૂતા હતા. આ દરમ્યાન તા. 25 ઓગસ્ટના રાત્રિના સમયે અંદાજે 25 થી 30 વર્ષની ઉંમરના બે શખ્સો ફરિયાદીની વાડીમાં પ્રવેશ કરી ફરિયાદીના પત્ની દુધીબેન સૂતા હોય, તેમણે બન્ને કાનમાં પહેરેલા સાડા ત્રણ તોલાના સોનાના વેઢલાં ખેંચીને લૂંટ ચલાવી નાસી ગયા હતા.
આ અંગે સામતભાઇ દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ રૂા. 1,87,630ની કિંમતના આશરે સાડા ત્રણ તોલાના 20 કેરેટના સોનાના વેઢલાંની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. લાલપુરના પીઆઇ સિદ્ધરાજસિંહ ગોહિલ દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.


