જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં ભાજપના જ કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડની સમસ્યાઓનો ઉકેલ નહીં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવતાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી છે. વોર્ડ નંબર 11ના કોર્પોરેટર પ્રકાશ તેજાભાઈ રાઠોડે પોતાના વિસ્તારમાં ભૂગર્ભ ગટર સહિતની સમસ્યાઓનો લાંબા સમયથી ઉકેલ નહીં આવતો હોવા અંગે ફરી એક વખત તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. તેમણે સંબંધિત અધિકારીઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરીને સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માગ કરી છે.
વોર્ડ નંબર 11માં આવેલા શ્યામ ટાઉનશિપ, શ્યામ ટાઉન અને સિન્ડિકેટ સોસાયટી સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો લાંબા સમયથી પરેશાની ભોગવી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. ક્યાંક ગટરનાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે તો ક્યાંક ગટરના પાણીના નિકાલના અભાવે ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી રહીશો ત્રસ્ત બન્યા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. સ્થાનિક સ્તરે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવતાં હવે કોર્પોરેટરે જ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
કોર્પોરેટર પ્રકાશ રાઠોડના જણાવ્યા અનુસાર, શ્યામ ટાઉન અને સિન્ડિકેટ સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે અગાઉ સંબંધિત શાખાના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે સ્થળ મુલાકાત લઈને કામગીરી પૂર્ણ કરવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોકે, નિર્ધારિત સમયગાળો પૂર્ણ થવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતાં ફરી અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન ગ્રાન્ટ ઉપલબ્ધ ન હોવાની વાત કરવામાં આવતી હોવાનો આક્ષેપ કોર્પોરેટરે કર્યો છે. બીજી તરફ, સ્થાનિક રહીશો ગટરની સમસ્યાને કારણે રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને કામચલાઉ વ્યવસ્થાઓના સહારે રહેવા મજબૂર બન્યા હોવાની ફરિયાદો કરવામાં આવી છે.
View this post on Instagram
વોર્ડ નંબર 11ના કોર્પોરેટરે તાજેતરમાં ફરી પત્ર લખીને વિસ્તારની સમસ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, વોર્ડની કેટલીક સોસાયટીઓમાં ગટર સંબંધિત કામ લાંબા સમયથી અટવાયેલાં છે અને આશરે છ વર્ષથી સમસ્યાઓનો ઉકેલ નહીં આવતો હોવા અંગે તેમણે રજૂઆત કરી છે.
આ અગાઉ પણ પ્રકાશ રાઠોડે અધિકારીઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરીને કામમાં વિલંબ કરનારા અધિકારીઓની બદલી કરવાની માગણી કરી હતી. તેમ છતાં સમસ્યાઓ યથાવત્ રહેતાં હવે ફરીથી લેખિત રજૂઆત કરીને તાત્કાલિક કામગીરી હાથ ધરવા માગ કરવામાં આવી છે.
તંત્રની કામગીરીથી કંટાળીને કોર્પોરેટર પ્રકાશ રાઠોડે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. ગટર સમસ્યાનો ઉકેલ લાવનાર અધિકારી, ઇજનેર કે કોન્ટ્રાક્ટરને અગાઉ ₹1,111નું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, સમસ્યાનો ઉકેલ નહીં આવતાં તેમણે ઇનામની રકમ વધારીને ₹5,555 કરવાની જાહેરાત કરી છે.
આ જાહેરાત દ્વારા તેમણે સંબંધિત તંત્રનું ધ્યાન લાંબા સમયથી વણઉકેલાયેલી સમસ્યા તરફ દોરવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ ગટરનાં કામો ઝડપથી પૂર્ણ કરીને સ્થાનિક રહીશોને રાહત આપવા માગ કરી છે.
બીજી તરફ, આ વિસ્તારની સમસ્યાઓ અંગે અગાઉ કરવામાં આવેલી રજૂઆતના પગલે સંબંધિત ઇજનેરો દ્વારા સ્થળ પર સર્વે કરવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી છે. સર્વે બાદ જરૂરી અંદાજ તૈયાર કરીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું અને કામગીરી માટે ગ્રાન્ટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આગળની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આશરે દોઢ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, સ્થાનિક રહીશો અને કોર્પોરેટરની રજૂઆતોને ધ્યાનમાં લેતાં હવે આ કામ વાસ્તવમાં ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે તે જોવું મહત્ત્વનું બન્યું છે.
જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં ભાજપના જ કોર્પોરેટરને પોતાના વોર્ડની સમસ્યાઓના ઉકેલ માટે વારંવાર રજૂઆત કરવાની ફરજ પડી રહી હોવાની બાબત ચર્ચાનો વિષય બની છે. એક તરફ તંત્ર દ્વારા સર્વે, એસ્ટિમેટ અને ટેન્ડર પ્રક્રિયાની કામગીરી આગળ વધારવામાં આવી હોવાની વાત કરવામાં આવે છે, તો બીજી તરફ સ્થાનિક રહીશો લાંબા સમયથી સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. હવે વોર્ડ નંબર 11ની ભૂગર્ભ ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે, અટવાયેલાં કામો ક્યારે શરૂ થશે અને રહીશોને ગંદકી તથા ગટરનાં પાણીની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે તે અંગે સ્થાનિકોમાં ઉત્સુકતા સાથે નારાજગી પણ જોવા મળી રહી છે.


