જામજોધપુર તાલુકાના નવા સતાપર ગામમાં રહેતાં યુવાને નશાની હાલતમાં બાળકોને ઠપકો આપતાં તેમની બહેને ઠપકો આપવાની ના પાડતાં યુવાને પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામનો વતની અને હાલ જામજોધપુર તાલુકાના નવા સતાપર ગામમાં રહીને મજૂરીકામ કરતા સમીરભાઇ ઉર્ફે જયદીપભાઇ મનસુખભાઇ પરમાર (ઉ.વ.28) નામના યુવકે દારૂ પીધેલી હાલતમાં બાળકોને દુકાનેથી ભાગ લેવા જવા બાબતે ઠપકો આપ્યો હતો. તેથી યુવાનની બહેન શિતલબેને આવું ન કરવા માટે ઠપકો આપ્યો હતો. બહેનના ઠપકાનું મનમાં લાગી આવતાં સમીરભાઇએ ગુરૂવારે રાત્રિના સમયે તેના ઘરે રૂમની છતના પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકની બહેન શિતલબેન દ્વારા જાણ કરાતા એએસઆઇ એલ. આર. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


