Monday, August 31, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં ચાલતા આંદોલનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી હજારો ખેડૂતો ઉમટયા

ખંભાળિયામાં ચાલતા આંદોલનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી હજારો ખેડૂતો ઉમટયા

ખંભાળિયા ખાતે ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત શનિવારથી શરૂ થયેલા અચોક્કસ મુદતના ધરણા આંદોલન રવિવારે બીજા દિવસમાં પ્રવેશ્યું હતું. જેને મોટી સંખ્યામાં ધરતીપુત્રોનો સહયોગ સાંપડયો હતો.

- Advertisement -

આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સહિતની જુદી જુદી માંગ સાથે ખંભાળિયામાં શરૂ કરવામાં આવેલા આંદોલનના બીજા દિવસે રવિવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, ઉત્તર ગુજરાત અને અમરેલી સહિતના ભારે વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહેલા વિસ્તારોમાંથી સેંકડો અને હજારોની સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ રીતે આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. સત્યાગ્રહના પ્રથમ દિવસે જ સરકાર દ્વારા જળાશયોમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો, જેને તેમણે ખેડૂતોની એકતા અને આંદોલનની આંશિક જીત ગણાવી હતી. જોકે, ભૂતકાળમાં સરકારની જાહેરાતો કાગળ પર રહી ગઈ હોવાના અનુભવોને ધ્યાને રાખીને, પાણી ખરેખર ખેડૂતો સુધી પહોંચે છે કે નહીં તેની ચકાસણી માટે આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ ટીમો મોકલવામાં આવશે.

તેમણે ખેડૂતોને આહ્વાન કર્યું હતું કે આ માત્ર ઈસુદાન ગઢવીની લડાઈ નથી, પરંતુ દરેક ખેડૂત અને તેમની આવનારી પેઢીના ભવિષ્યનો અવાજ છે, જેમાં સૌએ સક્રિય રીતે જોડાવું જરૂરી છે.

- Advertisement -

‘આપ’ નેતા ઈસુદાન ગઢવીએ શાસકો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સરકાર મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીઓની હજારો કરોડો રૂપિયાની લોન આંદોલન વગર પણ માફ કરી દે છે, તેમજ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં છેલ્લા દસ વર્ષમાં પાંચ વખત ખેડૂતોના દેવા માફ થયા છે, જ્યારે અહીં ખેડૂતો સંપૂર્ણ લોન માફી પણ નથી માંગી રહ્યાં. ખેડૂતોની પ્રાથમિક માંગણી માત્ર એટલી જ છે કે વરસાદના અભાવે બરબાદ થયેલા વિસ્તારોને તુરંત દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહતના નાણાં સીધા જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે. આ સત્યાગ્રહ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત પુત્રીઓ, માતાઓ અને બહેનોએ ઈસુદાન ગઢવી તેમજ અન્ય નેતાઓને રાખડી બાંધીને આશીર્વાદ આપ્યા હતા, જેનાથી ભાવુક થઈને તેમણે ખેડૂત અને માલધારીનો દીકરો હોવાના નાતે છેવટ સુધી લડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો ખેડૂતો એક થઈને પહેલું ડગલું ભરશે અને પોતાના હકની દુષ્કાળ સહાય મેળવશે, તો ભવિષ્યમાં જમીનના યોગ્ય ભાવ, લોન માફી અને ખેડૂત વિરોધી કાયદાઓ સામે પણ મજબૂત લડાઈ લડી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular