જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામના રોડ પરથી લાયસન્સ ન હોવા છતાં બાઇક ચલાવતાં યુવાનનું બાઇક ગોળાઇમાં સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના કાલાખુટ ગામનો વતની અને હાલ જામજોધપુર તાલુકાના જામવાડી ગામની સીમમાં આવેલા કરશનભાઇના ખેતરમાં મજૂરીકામ કરતો મુકેશભાઇ સોબાનભાઇ ભુહા (ઉ.વ.32) નામના યુવાન પાસે લાયસન્સ ન હોવા છતાં તેના ઓળખીતા હકાભાઇ રબારીનું બાઇક લઇ ગત્ તા. 29ના સાંજના સમયે હોથીજી ખડબા ગામની બાજુમાં આવેલા રોડ પરથી પસાર થતો હતો ત્યારે ગોળાઇમાં કાબૂ ગૂમાવી દેતા બાઇક સ્લીપ થઇને રોડ પરથી નીચે ઉતરી જતાં અકસ્માતમાં મુકેશને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પત્ની રમીલાબેન દ્વારા જાણ કરાતા એએસઆઇ એલ. આર. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


