જામજોધપુર તાલુકાના મેઘપર ગામની સીમમાં પવનચક્કીના કામ માટે સરપંચે એનઓસી આપવાની ના પાડતા ત્રણ શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ, ધારીયા અને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મેઘપર ગામની સીમ વિસ્તારમાં પવનચક્કીનું કામ ચાલતું હતું અને આ કામ માટે સરપંચની એનઓસીની જરૂર હોય જેથી રાકેશ ઉર્ફે ટીટો જોશી, મેરામણ નંદાણિયા અને ઉમર નામના ત્રણ શખ્સોએ સરપંચ ભીખુભાઈ હરજીભાઈ શીલુ (ઉ.વ.67) પાસે એનઓસીની માંગણી કરી હતી. જેથી સરપંચે એનોઓસી આપવાની ના પાડતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈને રવિવારે સવારના સમયે મેઘપર ગામમાં મંદિર પાસે સરપંચ ભીખુભાઈ ઉપર લોખંડના પાઈપ, ધારીયા અને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ સરપંચને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ હુમલામાં ઘવાયેલા સરપંચને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે સરપંચના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


