જામનગર જિલ્લાના જોગવડ ગામમાં આવેલી ખાનગી કંપનીમાં ટ્રક પાર્ક કરી ટાયરમાં પથ્થર રાખવા જતાં ટ્રક રળવા લાગતા ટાયર નીચે આવી જતાં ચાલક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ઠાકરશેરડી ગામમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતાં રાજશીભાઈ મેરામણભાઈ કંડોરીયા (ઉ.વ.39) નામનો યુવાન ગત તા. 15 ના રોજ રાત્રિના સમયે તેની કંપનીનો જીજે-23-એડબલ્યુ-6842 નંબરનો ટ્રક (ડમ્પર) જામનગર જિલ્લાના જોગવડ ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીમાં પાર્ક કરી નીચે ઉતર્યો હતો અને ટ્રકના ટાયર આડે પથ્થર રાખવા જતા સમયે ટ્રક રળવા લાગ્યો હતો અને આગળ રહેલાં રાજશીભાઈ ટ્રકના ટાયર નીચે આવી જતાં શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ખીમાણંદભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ ડી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


